સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રધાનમંત્રી મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, અંબાજીમાં માતાજીના દર્શન કરશે

પ્રધાનમંત્રી મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, અંબાજીમાં માતાજીના દર્શન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા શક્તિપીઠ મંદિરમાં માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરશે.

પ્રવાસના પ્રથમ દિવસે, 13 નવેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યા પછી પ્રધાનમંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગરના લોકભવન (રાજભવન) જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.

બીજા દિવસે, 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે સવારે આશરે 10 વાગ્યા પછી પ્રધાનમંત્રી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા જવા રવાના થશે. બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે, જ્યાં માતાજીના દર્શન કરી લાભ પાંચમની પૂજા કરશે. દર્શન અને પૂજા પૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત, વાહનવ્યવહાર અને પ્રધાનમંત્રીના કાફલાના રૂટ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને અંબાજી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુલાકાતના સમય અને કાર્યક્રમની અંતિમ વિગતો સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.