સત્ય. સાહસ. સંકલ્પ.

PM મોદીનો ગુજરાત પ્રવાસ: સંસ્કારધામ ટ્રસ્ટ સાથે મહત્વની બેઠક, અંબાજી દર્શન મુલતવી

PM મોદીનો ગુજરાત પ્રવાસ: સંસ્કારધામ ટ્રસ્ટ સાથે મહત્વની બેઠક, અંબાજી દર્શન મુલતવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે ગાંધીનગરના લોકભવન ખાતે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્કારધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ટ્રસ્ટના આગામી આયોજનો અને ભવિષ્યની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે, જેની શરૂઆત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં કરી હતી.

અગાઉ, ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી, જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક બાદ વડાપ્રધાને તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું. લોકભવન ખાતે મોદીના રાત્રિ રોકાણને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને લોકભવન તરફના માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી પૂર્વ સહકાર મંત્રી ધર્મેન્દ્ર શાહ, પૂર્વ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા, પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, નરેશ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બલરામ થવાણી, પૂર્વ ધારાસભ્ય નિર્મલા વાઘવાણી, અમદાવાદના મેયર હિતેશ બારોટ, પૂર્વ મંત્રી કૌશિક પટેલ અને પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા સહિતના નેતાઓને મળશે.

નોંધનીય છે કે, પીએમ મોદી આજે બપોરે 12:25 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થશે. તેમનો લાભ પંચમી નિમિત્તે અંબાજી દર્શનનો કાર્યક્રમ પણ હતો, પરંતુ નવું વર્ષ શરૂ થયું હોવાથી અને લાભ પંચમીના અવસરે ભક્તો મોટી સંખ્યામાં માતાના દર્શન માટે આવતા હોવાથી, તેમને વીવીઆઇપી મૂવમેન્ટને કારણે કોઈ અસુવિધા ન થાય તે માટે અંબાજી દર્શનનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.