સત્ય. સાહસ. સંકલ્પ.

CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને PM મોદીની મંત્રીઓ સાથે 3.30 કલાક લાંબી બેઠક, ચૂંટણી પહેલાં લોકસંપર્ક પર ભાર

CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને PM મોદીની મંત્રીઓ સાથે 3.30 કલાક લાંબી બેઠક, ચૂંટણી પહેલાં લોકસંપર્ક પર ભાર

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને રાજ્યના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી, જેમાં લગભગ 3.30 કલાક સુધી ચર્ચા થઈ હતી. રાજકીય વર્તુળોમાં આ બેઠકને 'ડિનર ડિપ્લોમસી' તરીકે જોવામાં આવી રહી છે.

બેઠકમાં વડાપ્રધાન મોદીએ મંત્રીઓ સાથે પોતાના જૂના અનુભવો શેર કર્યા હતા. ગુજરાતમાં ભાજપના શરૂઆતના દિવસોમાં પક્ષ અને સંગઠન કેવી રીતે મજબૂત બન્યાં તે અંગેના પ્રસંગો તેમણે સંભળાવ્યા હતા. હળવા મૂડમાં તેમણે સરકાર અને સંગઠન સાથે જોડાયેલા અનુભવો મંત્રીઓ સાથે શેર કર્યા હતા. જૂના સાથીદારો સાથે કામ કરતી વખતે થયેલા અનુભવોને પણ તેમણે યાદ કર્યા હતા.

ચૂંટણી પહેલાં મંત્રીઓને લોકસંપર્ક વધારવા અંગે વડાપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાની વચ્ચે જઈને લોકો સાથે સીધો સંપર્ક જાળવવો અને તેમની સમસ્યાઓ સમજવી કેટલી જરૂરી છે તે અંગે તેમણે સમજ આપી હતી. સરકારની કામગીરીનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા પણ ભાર મૂક્યો હતો.

આ વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાને ગુજરાતમાં શરૂ થયેલી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને તેના પરિણામો અંગે ચર્ચા કરી હતી. ગુજરાતમાં અમલી બનેલી યોજનાઓને દેશના અન્ય રાજ્યોમાં કેવી રીતે લાગુ કરવામાં આવી તે અંગેના અનુભવો પણ તેમણે મંત્રીઓ સાથે શેર કર્યા હતા.

બદલાતા સમય અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને મંત્રીઓ અને નેતાઓને ડિજિટલ માધ્યમો અપનાવવા સૂચન કર્યું હતું. લોકો સુધી પહોંચવા અને સરકારની કામગીરીની માહિતી જનતા સુધી પહોંચાડવા ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

આમ, વડાપ્રધાનની મંત્રીઓ સાથેની સાડા ત્રણ કલાકની બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા, લોકસંપર્ક વધારવા, પ્રજાલક્ષી યોજનાઓ અને ડિજિટલ યુગમાં નેતૃત્વની ભૂમિકા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.