સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, UPI 11 દેશોમાં વિસ્તર્યું

પીએમ મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું, UPI 11 દેશોમાં વિસ્તર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુંબઈ ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ' (GFF)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ફિનટેક ક્ષેત્રની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.

પીએમ મોદીએ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) હવે 11 દેશોમાં વિસ્તર્યું છે અને તેનો લક્ષ્યાંક અન્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ સાથે સીધું જોડાણ કરવાનો છે. તેમણે ભારત અને સિંગાપોર વચ્ચેના પેમેન્ટ સિસ્ટમ ઈન્ટિગ્રેશનનું ઉદાહરણ આપતાં કહ્યું કે હવે બંને દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર એટલો જ સરળ છે, જેટલો એક શહેરથી બીજા શહેરમાં થાય છે.

વડાપ્રધાને આ ફેસ્ટમાં સતત ત્રીજી વખત હાજરી આપી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ દર્શાવે છે કે 'વિકસિત ભારત'ના નિર્માણમાં ફિનટેક ક્ષેત્ર અને તેનાથી જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા અને મોટા સપના જોવાની વૃત્તિ વધી રહી હોવાની નોંધ લીધી, જે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ મજબૂત કરે છે.

UPIના વૈશ્વિક વિસ્તરણથી વિદેશમાં વસતા ભારતીયોને લાભ થશે, કારણ કે તેઓ પરિવારને નાણાં મોકલે ત્યારે ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં ઘટાડો થશે. પીએમ મોદીએ ફિનટેકના આગામી તબક્કા વિશે સ્પષ્ટ કર્યું કે તે માત્ર પેમેન્ટ્સ સુધી સિમિત ન રહેવું જોઈએ. નાના-મોટા કારોબારીઓની જરૂરિયાત મુજબ ફાઇનાન્સિયલ મોડેલ તૈયાર કરવા પડશે, અને ડિલિવરી પાર્ટનર્સ અને નાના કામદારો માટે બચત, પેન્શન અને લોન જેવી સેવાઓ QR કોડ સ્કેન કરવા જેટલી સરળ બનાવવી પડશે.