વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (13 નવેમ્બર) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો 14 નવેમ્બરે લાભપાંચમના દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ છેલ્લી ઘડીએ તે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તેમનો પ્રવાસ ગાંધીનગર પૂરતો મર્યાદિત રહેશે.
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન રાત્રે આશરે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચશે અને લોકભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર બેઠક કરશે. મંત્રીઓને સાંજે 7 વાગ્યે લોકભવન ખાતે હાજર રહેવા જણાવાયું છે. આ ડિનરમાં મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ (PA), પર્સનલ સેક્રેટરી (PS) અને કમાન્ડોને હાજર નહીં રહેવા જણાવાયું હોવાની પણ ચર્ચા છે.
ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં વડાપ્રધાનની મંત્રીઓ સાથેની ડિનર બેઠકને રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારના કામકાજ, મંત્રીઓની કામગીરી, આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. જોકે, બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર થયો નથી.
14 નવેમ્બરે અંબાજી મંદિરમાં દર્શનાર્થે જવાનો કાર્યક્રમ હતો, પરંતુ લાભ પાંચમના દિવસે ભક્તોની ભીડ થવાની શક્યતાને કારણે તેમાં ફેરફાર કરાયો છે. હવે વડાપ્રધાન 14 નવેમ્બરે સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.