વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026ના દશેરા પર્વ નિમિત્તે દિલ્હીના ડીડીએ ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કર્યું અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે તેમણે દેશ સામેના ત્રણ મુખ્ય પડકારોનો ઉલ્લેખ કર્યો અને તેમનો સામનો એકજુટ થઈને કરવાનો સંદેશ આપ્યો.
પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના ત્રણ દુશ્મન એવા છે – દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડતી તાકાતો, સમાજમાં ભાગલા પાડનારા લોકો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નફરત ધરાવતી માનસિકતા. આ તમામ સામે દેશવાસીઓએ મળીને લડવું પડશે, તેમ તેમણે ઉમેર્યું.
વિજયા દશમીના પ્રસંગે તેમણે કહ્યું કે, આ દિવસ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને ભગવાન રામના આદર્શો પર ચાલવાની પ્રેરણા આપે છે. રામ રાજ્યનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રામ રાજ્ય એવું શાસન છે જ્યાં કોઈની સાથે ભેદભાવ ન થાય, સૌને ન્યાય મળે અને દરેકને આગળ વધવાની સમાન તક મળે.
પીએમ મોદીએ જનકલ્યાણ પર ભાર મૂકતા કહ્યું કે, સત્તાનો મુખ્ય હેતુ ગરીબો અને વંચિતોની સેવા છે. તેમણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો, મહેનત અને દેશના પોતાના સાધનો પર ભરોસો રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.