સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ રીલ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવી, જવાનો સાથે તહેવાર ઉજવવાની જાહેરાત કરી

પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ રીલ દ્વારા દિવાળીની શુભેચ્છા પાઠવી, જવાનો સાથે તહેવાર ઉજવવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયા રીલ શેર કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ દિવાળી દેશના જવાનો વચ્ચે ઉજવશે. જોકે, આ વખતે કયા સ્થળે તેઓ જવાનો સાથે દિવાળી મનાવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગયા વર્ષે 2025માં વડાપ્રધાન મોદીએ ગોવામાં નૌકાદળના જહાજ INS વિક્રાંત પર નૌસેનિકો વચ્ચે દિવાળી ઉજવી હતી. તે સમયે તેમણે લગભગ 40 મિનિટનું ભાષણ પણ આપ્યું હતું.

પોતાના વીડિયા સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “નમસ્તે, દિવાળીનો પાવન પર્વ છે અને આખો દેશ રોશનીથી ઝગમગી રહ્યો છે. પ્રકાશનો આ પર્વ અંધકાર સામેના આપણા સંકલ્પનો પરિચય આપે છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનો આ પર્વ અને આવનારો સમય સુખ-શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે.”

તેમણે વધુમાં જણાવ્યું, “હું પણ તમારી જેમ ખૂબ ઉત્સાહથી દિવાળી મનાવું છું. અને દર વર્ષે, તમે જાણો છો કે દેશના વીર જવાનો વચ્ચે જવું મારો નિત્યક્રમ છે. આ વખતે પણ તે ચાલુ રહેશે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 2014માં પદ સંભાળ્યા ત્યારથી દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવવાની પરંપરા જાળવી રાખી છે. 2014માં તેમણે સિયાચિનમાં તૈનાત જવાનો વચ્ચે દિવાળી મનાવી હતી અને તેમના હાથે મીઠાઈ ખવડાવી હતી. 2015માં અમૃતસરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. 2016માં ચીન સરહદ નજીક ITBPના જવાનો વચ્ચે, 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં, 2018માં ઉત્તરાખંડના કેદારનાથ નજીક હર્ષિલ ગામમાં, 2019માં જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં LoC પર તૈનાત જવાનો સાથે, 2020માં રાજસ્થાનના જેસલમેર નજીક લોંગેવાલા પોસ્ટ પર, 2021માં જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં, 2022માં કારગિલમાં, 2023માં હિમાચલ પ્રદેશના લેપચામાં અને 2024માં ગુજરાતના કચ્છમાં BSF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.