સત્ય. સાહસ. સંકલ્પ.

PM મોદીની ડિગ્રી કેસ: ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે CICને ઠપકો આપ્યો

PM મોદીની ડિગ્રી કેસ: ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે CICને ઠપકો આપ્યો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી થઈ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંગલ જજના ચુકાદા સામે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે. સિંગલ જજે અગાઉ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે, 'ડિગ્રી બતાવવાનો માહોલ ઊભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો કેજરીવાલને વડાપ્રધાનની ડિગ્રીમાં ખરેખર રસ ન હોત, તો તેઓ સિંગલ જજના હુકમ બાદ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં.'

મહેતાએ વધુમાં જણાવ્યું કે, માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય કે નહીં, તે પ્રશ્ન છે. યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપે છે. વડાપ્રધાન સંવૈધાનિક પદ પર છે, પરંતુ તેમની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો નથી. જો આ રીતે દરેકની ડિગ્રી માગવામાં આવે તો સંસ્થાઓ અરજીઓથી ઉભરાઈ જાય.

કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સંદર્ભે યુનિવર્સિટીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિફેમેશનની ફરિયાદ દાખલ કરી છે.

સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે, RTI કાયદાના સેક્શન 8 હેઠળ કેટલીક માહિતીને મુક્તિ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની માહિતી યુનિવર્સિટી માટે ખાનગી છે અને તે વિશ્વાસપાત્રતાના સિદ્ધાંત પર આધારિત છે. માર્ક્સ, શારીરિક-માનસિક સ્થિતિ, લખાણ, ગ્રેડ વગેરે ખાનગી માહિતી છે. જો કોઈ પદ માટે લાયકાતનો પ્રશ્ન હોય, જેમ કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રી જરૂરી હોય, તો તે માહિતી જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફક્ત જિજ્ઞાસાને કારણે માહિતી માંગી શકાય નહીં.

કોર્ટે નોંધ્યું કે, સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC)એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી. આજે એક્ટિવિસ્ટો મોટા પ્રમાણમાં ખાનગી માહિતી માગે છે, જેનાથી RTI કાયદાનો દુરુપયોગ થવાની શક્યતા છે. વ્યક્તિએ પોતાની અંગત માહિતી જાહેર કરવી હોય તો જાતે કરી શકે, પરંતુ યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં.

સોલિસિટર જનરલે કહ્યું કે, 'મારી ડિગ્રી જાહેર કરો તો વડાપ્રધાનની પણ કરો' એ બાલિશ દલીલ છે. કોર્ટના એક ચુકાદાને ટાંકતાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી માંગે તો પરીક્ષા બોર્ડ આપે, પરંતુ ત્રીજા પક્ષકારને નહીં. આમ, વ્યક્તિ પોતાને લગતી માહિતી માંગી શકે, ત્રીજા પક્ષકાર નહીં.

ગુજરાત યુનિવર્સિટી વતી તુષાર મહેતાએ દલીલ કરી હતી. કેસની આગળની સુનાવણી ટૂંક સમયમાં થવાની શક્યતા છે.