અમદાવાદના ઠક્કરબાપાનગરમાં પત્ની શારદાબેન સાથે રહેતા ભોગીલાલ મોદી 35 વર્ષથી ઘરમાંથી જ કરિયાણાની દુકાન ચલાવે છે. પીએમ મોદીના પિતરાઈ ભાઈ ભોગીલાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે દુકાનમાંથી રોજ 100થી 150 રૂપિયાની કમાણી થાય છે, જેમાં અમારા બંનેનો ખર્ચ ચાલી જાય છે. કોઈની પાસે મદદની આશા રાખ્યા વિના જાતે કમાવવાનું અમે પસંદ કરીએ છીએ.
ભોગીલાલ મોદીએ કહ્યું, 'એ તો સૌના કિસ્મતની વસ્તુ છે. અમે અમારી રીતે સુખી છીએ. મદદ માટે કોઈ પાસે હાથ લંબાવતા નથી અને કુદરત એવું કરે પણ નહીં. હું કોઈ અફસોસ રાખતો નથી. મારી શુભેચ્છાઓ છે કે નરેન્દ્રભાઈ આગળ વધે.' તેમની પત્ની શારદાબેન કહે છે, 'અમારે તો જિંદગીમાં પહેલેથી જ મહેનત, મહેનત અને મહેનત જ...'
ભોગીલાલે પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે તેઓ વડનગર કુમારશાળામાં ધોરણ 1થી 7 સુધી સાથે ભણ્યા હતા. ઘરેથી સાથે સ્કૂલે જતા અને સાથે જ પાછા આવતા. ઉનાળામાં દરરોજ સવારે શર્મિષ્ઠા તળાવમાં નહાવા જતા. ભોગીલાલે કહ્યું, 'તેમણે જ મને તરતા શીખવ્યું હતું. પાયજામાને બે ગાંઠો મારીને પાણીમાં ફુલાવવાનું અને પછી પગ-હાથ હલાવતા થોડું થોડું આગળ જવાનું. તેમનામાં પહેલેથી હિંમત હતી.'
ધોરણ 8માં નરેન્દ્ર મોદી બીએન હાઈસ્કૂલમાં ગયા, જ્યારે ભોગીલાલ નાપાસ થયા બાદ સ્કૂલ મૂકી દીધી. 1973માં તેઓ નોકરી માટે અમદાવાદ આવ્યા અને રખિયાલમાં પટેલ મિલના ફિનિશિંગ વિભાગમાં કામ કર્યું. તે સમયે દરરોજ 10 રૂપિયા અને મહિને 350 રૂપિયા પગાર મળતો. 1995માં મિલ બંધ થઈ ત્યારે બધા પૈસા ચૂકવી આપ્યા હતા. મિલમાં કામ કરતી વખતે મહિને 2500 રૂપિયા સુધીનો પગાર થઈ ગયો હતો.
ભોગીલાલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી RSSમાં જોડાયા બાદ તેમની સાથે ખાસ મુલાકાત થઈ નથી. મુખ્યમંત્રી બન્યા પછી એકવાર બીમાર થયા ત્યારે ખબર પૂછવા ગાંધીનગરની હોસ્પિટલમાં ગયો હતો, ત્યારે તેમણે ફક્ત હાથ મિલાવ્યો અને ઈશારો કર્યો હતો. હીરાબાના નિધનના 15 દિવસ પહેલા ગાંધીનગરમાં પંકજભાઈના ઘરે મુલાકાત થઈ હતી, જ્યાં સાહેબ પણ હાજર હતા, પણ ખાસ વાતચીત થઈ નહોતી. અત્યાર સુધીમાં તેમને ત્રણ વાર મળ્યા છે.
ભોગીલાલની બે દીકરી છે, જેમાં એક મુંબઈ અને બીજી પૂનામાં રહે છે. બંનેના લગ્ન થઈ ગયા છે અને દરેકને એક-એક દીકરી છે. ભોગીલાલ અને શારદાબેન અમદાવાદમાં એકલા જ રહે છે, પરંતુ કોઈ તકલીફ પડે તો દીકરીઓ તરત પહોંચી જાય છે.