સત્ય. સાહસ. સંકલ્પ.

કેપ્ટન સ્મિત મછારના પરિવાર સાથે PM મોદીએ ફોન પર વાત કરી, બહાદુરીના કર્યા વખાણ

કેપ્ટન સ્મિત મછારના પરિવાર સાથે PM મોદીએ ફોન પર વાત કરી, બહાદુરીના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્લાયદુબઈના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછારના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કેપ્ટન સ્મિતની પત્ની અને માતા-પિતા સાથે વાત કરી અને તેમની બહાદુરીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે કેપ્ટન સ્મિતના સાહસને કારણે સેંકડો લોકોના જીવ બચી શક્યા છે.

વડાપ્રધાન મોદીએ પરિવારને ખાતરી આપી હતી કે ભારતીય મિશન શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કેપ્ટન સ્મિતને ‘હીરો’ ગણાવ્યા અને કહ્યું કે તેમણે અત્યંત મુશ્કેલ સંજોગોમાં અસાધારણ બહાદુરી અને દ્રઢતાનું પ્રદર્શન કર્યું છે.

બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં હવામાં એક કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી. કોકપિટમાં પાયલટો વચ્ચે વિવાદ થયો હતો, જે દરમિયાન સહ-પાયલટે કેપ્ટન સ્મિત મછાર પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ હોવા છતાં, કેપ્ટન સ્મિત કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા, જેનાથી ક્રૂ અને મુસાફરો અંદર આવી શક્યા અને હુમલાખોરને કાબૂમાં કરી શક્યા.

આ ઘટના બાદ વિમાને સાઉદી અરેબિયાના તબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. કેપ્ટન સ્મિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. બંને ભારતીય મિશન સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ ઘટના બાદ ફ્લાયદુબઈએ ઈઝરાયેલ આવતી અને ત્યાંથી જતી તમામ ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે. એરલાઈને જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લાઈટ સેવાઓ સ્થગિત રહેશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ કેપ્ટન સ્મિતની બહાદુરીના વખાણ કર્યા છે.