સત્ય. સાહસ. સંકલ્પ.

વડનગરમાં દિવાળી જેવો માહોલ, કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવાશે

વડનગરમાં દિવાળી જેવો માહોલ, કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ભાજપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર અને અમદાવાદમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનના વતન વડનગરમાં ઉજવણીનો માહોલ જામ્યો છે. શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જન્મોત્સવ નિમિત્તે શર્મિષ્ઠા તળાવ પર ભવ્ય આરતી, હાટકેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા, વડનગરથી વારાણસી સુધી કળશ યાત્રા અને સાંજે દીવા પ્રગટાવીને નગરજનો દ્વારા વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવવાનું આયોજન છે.

વડાપ્રધાનના જન્મદિવસ અને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' યોજશે. 17 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વારાણસીથી રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિશામાં બાઈક યાત્રાનું પ્રસ્થાન કરાવશે.

આ બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી બંને તરફથી 250-250 બાઈક પર 500-500 યુવાનો (કુલ 1,000) 10 જુદા-જુદા જૂથ અને રૂટ દ્વારા જોડાયા બાદ 7 ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અને જળસંરક્ષણ જેવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન તથા સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ પણ કરાશે.

ચાર પવિત્ર સ્થળો – સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી 13 સપ્ટેમ્બરે પવિત્ર જળ સાથે ચાર જુદી બાઈક યાત્રાઓનો પ્રારંભ કરાયો હતો. 16 સપ્ટેમ્બરે આ જળ લઈને બાઈક યાત્રા વડનગર પહોંચી. આવતીકાલે (17 સપ્ટેમ્બરે) તેનો એક ભાગ હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે અને બીજો ભાગ શર્મિષ્ઠા તળાવમાં અર્પણ કરાશે. આ કળશ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને 250 બાઈક પર 500 ભાજપ કાર્યકર્તાઓ વારાણસી જવા રવાના થશે, જ્યાં પહોંચીને તેઓ કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરશે.

અમદાવાદમાં પણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દરેક વોર્ડમાં બ્લડ કેમ્પ યોજાશે. તમામ મંદિરો અને શહેરના જાણીતા સ્થળો પર સાંજે આશીર્વાદ દીવડાનો કાર્યક્રમ યોજાશે. કાંકરિયા તળાવની ત્રણ કિલોમીટરની પરિક્રમામાં 1.25 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે.