સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદમાં દીવડાની ઉજવણી, અમિત શાહે કાંકરિયા ખાતે આરતી કરી

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદમાં દીવડાની ઉજવણી, અમિત શાહે કાંકરિયા ખાતે આરતી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની જનસેવા, સુશાસન અને સમર્પણની યાત્રાની ઉજવણી માટે અમદાવાદમાં 'સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની આરતી કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. બાદમાં બંને નેતાઓ કાંકરિયા તળાવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારત માતાની આરતી કરવામાં આવી હતી.

શહેરના 48 વોર્ડમાં કુલ 4 લાખ 80 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે. કાંકરિયા તળાવ ખાતે 1.25 લાખ તેમજ અટલ બ્રિજ ખાતે 76,000 દીવડા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત શહેરના મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ જેવા કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, એસીવીપી હોસ્પિટલ, એએમસી મેટ ડેન્ટલ કોલેજ, અટલ બ્રિજ-રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો પ્રોજેક્ટ, બીઆરટીએસ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ખારીકટ કેનાલ ખાતે પણ દીવડા પ્રગટાવવામાં આવશે.

જનભાગીદારી વધારવા માટે સરકારી યોજનાઓના લાભાર્થીઓ પોતાના ઘરે સ્વયં દીપ પ્રગટાવશે અને વિવિધ ગણપતિ પંડાલો ખાતે પણ દીપ પ્રાગટ્ય કરાશે.

આ પ્રસંગે અમદાવાદમાં 10 અલગ-અલગ સ્થળો પર ભવ્ય રક્તદાન કેમ્પ તેમજ 14 વિવિધ જગ્યાઓ પર નિઃશુલ્ક તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સમગ્ર શહેર દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠશે.

કાર્યક્રમમાં મેયર હિતેશ બારોટ, સાંસદો, ધારાસભ્યો, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, મ્યુનિસિપલ કમિશનર, વિવિધ કમિટીના ચેરમેનો, કાઉન્સિલરો, અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.