સત્ય. સાહસ. સંકલ્પ.

વડાપ્રધાન મોદીએ ‘ભજન ક્લબિંગ’માં ભાગ લીધો, ખંજરી વગાડી યુવાનો સાથે તાલ મિલાવ્યો

વડાપ્રધાન મોદીએ ‘ભજન ક્લબિંગ’માં ભાગ લીધો, ખંજરી વગાડી યુવાનો સાથે તાલ મિલાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે દિલ્હીના દિનદયાલ ઉપાધ્યાય પાર્ક ખાતે ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતી અને હિન્દી ભજનો પર ખંજરી વગાડી હતી અને યુવાનો સાથે સૂર મિલાવ્યો હતો. તેમણે ‘શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી’ ભજન પર ખંજરી વગાડી હતી. આ પ્રસંગે તેમણે ભગવા રંગનું જેકેટ પહેર્યું હતું. તેમની સાથે બેઠેલા યુવાનો પણ ભજનો પર ઝૂમતા અને નાચતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન મેલબર્નમાં ‘ભજન ક્લબિંગ’ ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની નવી પેઢી પોતાની જડ અને આસ્થાને આધુનિક જીવનશૈલી સાથે કેવી રીતે જોડી રહી છે તેની પ્રશંસા કરી હતી. આ પહેલાં જાન્યુઆરી 2026માં ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ તેમણે આ ટ્રેન્ડની પ્રશંસા કરી હતી.

‘ભજન ક્લબિંગ’ એ યુવાનો, ખાસ કરીને Gen-Z વચ્ચે ઝડપથી લોકપ્રિય બની રહેલો આધ્યાત્મિક ટ્રેન્ડ છે. આ પરંપરાગત ભજનો અને કીર્તનને આધુનિક કન્સર્ટ કે નાઇટ-ક્લબ જેવા વાતાવરણમાં રજૂ કરવાની એક નવી રીત છે. તેની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે:

નશામુક્ત વાતાવરણ: ભલે તેનું નામ ‘ક્લબિંગ’ જેવું લાગે, પરંતુ આ કાર્યક્રમો સંપૂર્ણપણે સાત્વિક હોય છે. અહીં દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું કોઈ સ્થાન નથી.

સામૂહિક ભાગીદારી: અહીં આવેલા દર્શકો માત્ર બેસીને સાંભળતા નથી, પરંતુ તેઓ પણ ગાય છે, તાળી પાડે છે, ઝૂમે છે અને કીર્તનમાં જોડાય છે.

આધુનિક રજૂઆત: જૂના સમયનાં ભજનોને ટેક્નો બીટ્સ કે ગિટારની ધૂન જેવા આધુનિક સંગીત સાથે મેળવીને રજૂ કરવામાં આવે છે, જેથી યુવા પેઢી તેમની સાથે જોડાણ અનુભવી શકે.

આ ટ્રેન્ડ Gen-Zને આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ કરાવે છે. યુવા પેઢી પરંપરાઓ સાથે જોડાવા માગે છે, પરંતુ તેને જૂની કે કંટાળાજનક રીતે નહીં, પોતાની આધુનિક જીવનશૈલીને અનુરૂપ રીતે અનુભવવા માગે છે. આ ઉપરાંત, આજકાલના તણાવપૂર્ણ જીવનમાં સામૂહિક રીતે પોઝિટિવ સંગીત સાંભળીને અને ગાઈને લોકો પોતાને તાજગીભર્યા અને તણાવમુક્ત અનુભવે છે. આ પ્રકારના કાર્યક્રમો લોકોને એકસાથે લાવે છે, જેનાથી તેમને અપનાપાનો અનુભવ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પંડિત દિનદયાલ ઉપાધ્યાય એક રાજકીય વિચારક, અર્થશાસ્ત્રી અને ભારતીય જનસંઘના નેતા હતા. તેમણે ‘રાષ્ટ્ર ધર્મ’, ‘પાંચજન્ય’ સામયિકો અને દૈનિક સમાચાર પત્ર ‘સ્વદેશ’ની શરૂઆત કરી હતી. ‘એકાત્મ માનવવાદ’, સામાજિક ન્યાય અને આત્મનિર્ભરતા પર તેમના વિચારો આજે પણ ભાજપના મિશનને દિશા આપી રહ્યા છે.

25 સપ્ટેમ્બર 1916ના રોજ જન્મેલા દિનદયાલ ઉપાધ્યાયે 1940ના દાયકામાં હિંદુત્વના પુનરુત્થાનના આદર્શોને ફેલાવવા માટે ‘રાષ્ટ્ર ધર્મ’ નામે માસિક પત્રિકા શરૂ કરી હતી. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક અને ભારતીય જનસંઘ (જે પાછળથી ભાજપ બન્યો)ના પૂર્વ નેતા હતા. તેઓ ડિસેમ્બર 1967માં જનસંઘના અધ્યક્ષ બન્યા હતા. 11 ફેબ્રુઆરી 1968ના રોજ રહસ્યમય સંજોગોમાં તેમનું નિધન થયું હતું. તેમનો મૃતદેહ મુઘલસરાય જંકશન પાસે મળ્યો હતો, જેનું નામ બદલીને હવે દિનદયાલ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું છે.