સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, વિપક્ષ પર કર્યો પ્રહાર

પીએમ મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, વિપક્ષ પર કર્યો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે તેમણે જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમમાં પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો હતો, જે અંતર્ગત લગભગ 19 હજાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના કરોડો નાના ખેડૂતોના ખાતામાં આ રકમ સીધી પહોંચી છે.

પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે વિપક્ષ દેશને મુશ્કેલીમાં જોવા માંગે છે. જ્યારે દેશ પર સંકટ આવે છે ત્યારે તેમને ખુશી થાય છે. તેનું તાજેતરનું ઉદાહરણ ઈરાન સાથેનો તણાવ છે. ભારત જ્યારે એકજૂથ થઈને પરિસ્થિતિનો સામનો કરવામાં વ્યસ્ત છે, ત્યારે વિપક્ષના લોકો અફવાઓ ફેલાવવામાં લાગ્યા છે. ખેડૂતોને ડરાવવામાં આવ્યા કે ખાતર નહીં મળે અને બહેનોને ડરાવવામાં આવી કે ગેસ નહીં મળે. તેમનો ઇરાદો દેશમાં અફરાતફરી ફેલાવવાનો હતો, જેથી તેઓ મોદીને બદનામ કરી શકે. તેમણે કહ્યું કે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતા રહેશે.

કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે અહીં યોજાયેલા કાર્યક્રમમાં તમામ લોકો ખાટલા પર બેઠા છે, તે દેશના લોકો માટે આશ્ચર્યની વાત હશે. બનાસકાંઠાએ ગામડાંની પરંપરાઓને ફરી જીવંત કરી છે. જો આ અંગે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને જાણ કરવામાં આવી હોત, તો કદાચ તેઓ તેને વિશ્વ રેકોર્ડ તરીકે માન્યતા આપી દેત.

પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં માતૃશક્તિ, બાળકો, ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠાએ દેશની પરંપરાને જીવંત રાખી છે. આપણા ખેડૂતો અને અન્નદાતાઓ વિકસિત ભારતના સૌથી મજબૂત સ્તંભોમાંના એક છે. અમારી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રાથમિકતા આપી છે. વર્ષ 2013ની સરખામણીમાં આજે દેશનું કૃષિબજેટ પાંચ ગણું વધી ગયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કરોડો ખેડૂતોના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારની નીતિઓને કારણે ખેડૂતોને 50 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે અથવા તેમની આટલી બચત થઈ છે, એવો તેમણે દાવો કર્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સાડા ચાર લાખ કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે.

તેમણે કહ્યું કે આઝાદી બાદ નાના ખેડૂતોની જરૂરિયાતોને ક્યારેય યોગ્ય રીતે સમજવામાં આવી નહોતી અને તેમની ચિંતા કરવામાં આવી નહોતી, જ્યારે દેશમાં 85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. અમારી સરકારે આ ખેડૂતોની ચિંતા કરી છે. અગાઉની સરકારો લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ના મુદ્દે ખેડૂતો સાથે દગો કરતી હતી, જ્યારે અમારી સરકારે MSP અંગેનું વચન પૂરું કર્યું છે. MSPના માધ્યમથી ખેડૂતોના ખાતામાં 24 લાખ કરોડ રૂપિયા પહોંચ્યા હોવાનો દાવો પણ પીએમ મોદીએ કર્યો હતો.