વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમની સંપત્તિ અંગેની સત્તાવાર ઘોષણા ચર્ચામાં આવી છે.
પીએમઓની વેબસાઇટ પર મૂકાયેલા સંપત્તિ અને જવાબદારીના દસ્તાવેજ મુજબ, 31 માર્ચ 2026 સુધીમાં વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિ 4,01,60,999 રૂપિયા એટલે કે આશરે 4.02 કરોડ રૂપિયા છે. આ આખી રકમ તેમની જંગમ સંપત્તિ છે. દસ્તાવેજમાં તેમના નામે કોઈ સ્થાવર સંપત્તિ નોંધાયેલી નથી.
સંપત્તિનો સૌથી મોટો હિસ્સો બેંકમાં જમા રકમ અને એફડીનો છે. એસબીઆઈની ગાંધીનગર એનએસસી શાખામાં તેમનું બેંક બેલેન્સ 3,562 રૂપિયા છે, જ્યારે બેંક એફડી/એમઓડીમાં 3,79,76,101 રૂપિયા જમા છે.
31 માર્ચ 2026ની સ્થિતિએ તેમની પાસે 34,429 રૂપિયા રોકડ છે. ઉપરાંત, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી)માં 10,24,724 રૂપિયાની રકમ નોંધાયેલી છે.
ઘોષણામાં સોનું પણ સામેલ છે. તેમની પાસે ચાર સોનાની વીંટીઓ છે, જેનું કુલ વજન આશરે 45 ગ્રામ છે અને અંદાજે કિંમત 4,58,864 રૂપિયા છે.
સ્થાવર સંપત્તિની વાત કરીએ તો, ખેતીની જમીન, બિનખેતીની જમીન, કોમર્શિયલ બિલ્ડિંગ, દુકાન, રહેણાંક મકાન કે ફ્લેટમાં તેમનો હિસ્સો શૂન્ય છે. દસ્તાવેજમાં સ્થાવર સંપત્તિની કુલ બજાર કિંમત પણ Nil દર્શાવવામાં આવી છે.
વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર તેમની જન્મતારીખ 17 સપ્ટેમ્બર 1950 નોંધાયેલી છે. 76મા જન્મદિવસ નિમિત્તે તેમની સંપત્તિના આંકડા ફરી ચર્ચામાં આવ્યા છે.