સત્ય. સાહસ. સંકલ્પ.

ASEAN સમિટમાં પીએમ મોદી: ભવિષ્ય સ્પર્ધાથી નહીં, સહયોગથી નક્કી થશે

ASEAN સમિટમાં પીએમ મોદી: ભવિષ્ય સ્પર્ધાથી નહીં, સહયોગથી નક્કી થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલનમાં ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રનું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે સહયોગથી નક્કી થવું જોઈએ.

મંગળવારે આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ વૈશ્વિક અનિશ્ચિતતાઓના સમયમાં શાંતિ અને સ્થિરતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ભારત અને આસિયાન દેશો મળીને વિશ્વની આશરે એક-ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આપણું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. આપણી પાસે આ લક્ષ્ય મેળવવા માટે પૂરતું સામર્થ્ય અને મક્કમ સંકલ્પ બંને છે અને આપણે સૌ સાથે મળીને આ ક્ષેત્રને શાંતિ તથા સ્થિરતાનું પ્રતિક બનાવી શકીએ છીએ.'

પીએમ મોદીએ લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે 100થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત આશરે 250 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ લૉન્ચ કરવામાં આવ્યા છે અને 10,000 કેપેસિટી બિલ્ડિંગ શિકોલરશિપ આપવામાં આવી છે.'

ભારત અને આસિયાન દેશો વચ્ચે વધતી કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'ભારત અને નવ આસિયાન દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ અને વધતું પ્રવાસન ક્ષેત્ર બંને વચ્ચેની મજબૂત ભાગીદારી દર્શાવે છે. આ વર્ષે કોઈપણ આસિયાન દેશની આ મારી ત્રીજી મુલાકાત છે, જે ભારત માટે આસિયાનના વિશેષ મહત્ત્વને સાબિત કરે છે.'

વડાપ્રધાને 'આસિયાન કમ્યુનિટી વિઝન 2045' અને વર્ષ 2047 સુધીના 'વિકસિત ભારત'ના વિઝન વચ્ચેના તાલમેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બંને લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારત આસિયાનની એકતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ શિખર સંમેલન ભારત અને આસિયાન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને એક સુરક્ષિત, સમાવેશી તથા સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે.

અલગ એક કાર્યક્રમમાં ગુરુવારે વડાપ્રધાન મોદીએ કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'કૃષિના આધુનિકીકરણ, ખેતીને સ્માર્ટ બનાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા વગર 'વિકસિત ભારત'નું નિર્માણ અશક્ય છે. કૃષિ ક્ષેત્ર દેશની પ્રગતિ, સંસ્કૃતિ અને સામાજિક જીવનનો મુખ્ય આધાર છે.'