સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજીમાં ભીડને કારણે PM મોદીની મુલાકાત મોકૂફ, ગાંધીનગરનો કાર્યક્રમ યથાવત

અંબાજીમાં ભીડને કારણે PM મોદીની મુલાકાત મોકૂફ, ગાંધીનગરનો કાર્યક્રમ યથાવત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ નિર્ધાર મુજબ, તેઓ 14મી નવેમ્બરે સવારે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના માટે જવાના હતા, પરંતુ હવે આ મુલાકાત વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.

અંબાજી મંદિરમાં 14મી નવેમ્બરે લાભ પાંચમનો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ થવાની શક્યતા હતી. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ ફેરફાર ફક્ત અંબાજીની મુલાકાત પૂરતો છે.

13મી નવેમ્બરે રાત્રે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ ગાંધીનગર રાજભવન જશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. ગાંધીનગર રાજભવનમાં આયોજિત કાર્યક્રમ યથાવત રહેશે. આ દરમિયાન તેઓ ગુજરાત સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે સાંજે અંબાજી મંદિરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના થોડા કલાકો બાદ જ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.