પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજના હેઠળ મહિલા ખેડૂતોને પણ વાર્ષિક ₹6,000ની સહાય મળે છે. યોજના ફક્ત પુરુષ ખેડૂતો માટે નથી. જૂન 2026માં બહાર પડેલા 23માં હપ્તામાં દેશની 2.18 કરોડ મહિલા ખેડૂતોના બેંક ખાતામાં સહાય જમા થઈ હતી.
પણ આ સહાય મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડે છે. જે મહિલા ખેડૂતો આ નિયમો ધ્યાનમાં નહીં રાખે તેમનો હપ્તો અટકી શકે છે.
જમીન પોતાના નામે હોવી જરૂરી
સૌથી મહત્વની શરત એ છે કે ખેતીની જમીનનો રેકોર્ડ (સાત-બારનો ઉતારો) મહિલા ખેડૂતના પોતાના નામે હોવો જોઈએ. જો જમીન ફક્ત પતિ કે પરિવારના અન્ય સભ્યના નામે નોંધાયેલી હોય, તો મહિલા તરીકે અલગથી PM કિસાનનો હપ્તો મળતો નથી.
એક પરિવારમાંથી એક જ સભ્યને લાભ
યોજનાની માર્ગદર્શિકા મુજબ 'ખેડૂત પરિવાર'માં પતિ, પત્ની અને તેમના સગીર બાળકોનો સમાવેશ થાય છે. એક પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક ₹6,000, ₹2,000ના ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં મળે છે. એટલે જો પતિ પહેલેથી યોજનાનો લાભ લેતો હોય, તો પત્ની એ જ પરિવાર માટે બીજા ₹6,000 મેળવવા અલગથી અરજી કરી શકતી નથી. સત્તાવાર વેબસાઈટ પર પણ લખ્યું છે કે એક પરિવારમાંથી એક કરતાં વધુ સભ્યો લાભ લેતા મળે તો કડક તપાસ થશે.
કોને લાભ મળતો નથી
ફક્ત જમીન હોવી પૂરતી નથી. જો મહિલા ખેડૂતે ગયા વર્ષે આવકવેરો ચૂકવ્યો હોય તો તે અપાત્ર ગણાય. આ ઉપરાંત વર્તમાન કે ભૂતપૂર્વ બંધારણીય હોદ્દા ધરાવનારા, અમુક સરકારી કર્મચારીઓ અને દર મહિને ₹10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને આર્કિટેક્ટ જેવા વ્યાવસાયિકોને પણ સહાય મળતી નથી.
ઈ-કેવાયસી અને બેંક વિગતો સાચી રાખો
પાત્ર મહિલા ખેડૂતોએ ઈ-કેવાયસી (e-KYC) સમયસર પૂર્ણ કરવું જરૂરી છે. સત્તાવાર પોર્ટલ પર OTP આધારિત સુવિધા ઉપરાંત બાયોમેટ્રિક પદ્ધતિનો વિકલ્પ પણ છે. બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડની માહિતી સંપૂર્ણ સાચી હોવી જોઈએ. ખેડૂતો PM કિસાન પોર્ટલ પર 'Know Your Status' વિકલ્પ દ્વારા ચુકવણી અને ઈ-કેવાયસીનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકે છે.
2030-31 સુધી યોજના ચાલુ
જુલાઈ 2026માં કેન્દ્ર સરકારે 2026-27થી 2030-31 સુધી PM કિસાન યોજના ચાલુ રાખવા સત્તાવાર મંજૂરી આપી છે. આ પાંચ વર્ષ માટે ₹3.15 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેથી અરજી કરતા પહેલા મહિલા ખેડૂતોએ જમીનના દસ્તાવેજો, ઈ-કેવાયસીની સ્થિતિ અને બેંક ખાતાની વિગતો ચોકસાઈથી ચકાસી લેવી જોઈએ.