બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. આ હપ્તા હેઠળ 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની સહાય મળશે.
આ યોજનાના પ્રથમ 23 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 4.47 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 24,137 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.
ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂ. 325 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું લોકાર્પણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. આ કેન્દ્ર પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે અને ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપશે. લોકાર્પણ પહેલા આ કેન્દ્રને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આ ઉપરાંત બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. થરાદ અને રાધનપુર ખાતે નવા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે.
રાજ્યભરમાં ઉજવણી માટે ગુજરાતમાં 34 જિલ્લા કક્ષાના અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે. આ સ્થળોએ ભીલડીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. કૃષિ અને બાગાયત વિભાગની યોજનાઓ હેઠળ મંજૂર થયેલા સહાયપત્રોનું પણ લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.
વડાપ્રધાનના બે દિવસના ગુજરાત પ્રવાસમાં 30 ઓક્ટોબરે સાંજે તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા રજૂ થનારા ‘આનંદમઠ’ નાટકને નિહાળશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ, શિલાન્યાસ અને ભૂમિપૂજન કરશે. ‘આરંભ 2026’ કાર્યક્રમમાં તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે અને સાંજે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં પરેડનું નિરીક્ષણ કરીને સલામી ઝીલશે.