પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને આશા હતી કે 2,000 રૂપિયાનો હપ્તો દુર્ગા પૂજા દરમિયાન મળશે, પરંતુ સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. હવે ચર્ચા છે કે સરકાર દિવાળી પહેલાં 24મો હપ્તો જાહેર કરી શકે છે.
અહેવાલો પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેવાના છે. આ મુલાકાતમાં તેઓ ભારતીય વાયુસેનાના ‘ગંગા એર શો’ને નિહાળશે અને એક જનસભાને સંબોધશે. અગાઉ પણ PM કિસાનના હપ્તા આવા જાહેર કાર્યક્રમો દરમિયાન જાહેર થયા હોવાથી એવી શક્યતા છે કે આ વખતે પણ મોદી વારાણસીથી જ 24મો હપ્તો જાહેર કરે.
જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સત્તાવાર તારીખ જાહેર ન થાય ત્યાં સુધી આને નિશ્ચિત ગણી શકાય નહીં.
યોજના હેઠળ ખેડૂતને વર્ષે કુલ 6,000 રૂપિયા મળે છે, જે દર ચાર મહિને 2,000 રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. 23મો હપ્તો જૂન મહિનામાં જાહેર થયો હતો. હવે 24મો હપ્તો ઓક્ટોબરના અંતે અથવા નવેમ્બરના પહેલા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે.
સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવે છે. હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. જે ખેડૂતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા OTP દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ ન કર્યું હોય, તેમનો હપ્તો અટકી શકે છે.
આ ઉપરાંત, ખેડૂતનું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ અને તેમાં DBT સુવિધા સક્રિય હોવી જોઈએ. પોર્ટલ પર જમીનના રેકોર્ડના દસ્તાવેજ અપલોડ કરવા પણ જરૂરી છે. આ કર્યા વગર યોજનાની રકમ અટકી શકે છે.