મુંબઈના શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને સંગીતકાર વિશાલ દદલાણી સહિત અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.
આ દરમિયાન અભિનેતા, ગાયક અને ગીતકાર પીયૂષ મિશ્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને નસીરુદ્દીન શાહ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે નસીરુદ્દીન શાહની અભિજીત દિપકે સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશના અન્ય મહત્વના મુદ્દાઓ પર તેઓ મૌન કેમ સેવી રહ્યા છે.
પીયૂષ મિશ્રાએ દુબઈની ફ્લાઇટમાં 170 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરની પ્રશંસા કરવાની માંગ કરી. તેમણે કહ્યું, 'સ્મિત મચ્છર નામના વ્યક્તિએ બહાદુરી બતાવીને 170 લોકોના જીવ બચાવ્યા છે. નસીર સાહેબે એ ઘટના પર ટિપ્પણી કરવી જોઈએ અને એ બહાદુરને અભિનંદન આપવા જોઈએ.'
તેમણે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં વિદ્યાર્થીઓ સાથે પોલીસ કાર્યવાહીમાં ધક્કામુક્કી અને હોબાળો થયો હતો. પીયૂષે કટાક્ષ કરતાં યાદ અપાવ્યું કે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD) અને FTIIમાં જેટલું શીખ્યા નથી, એટલું આ બાળકો પાસેથી શીખ્યા છે. પીયૂષે પૂછ્યું, 'આ બાળકો ક્યારથી એક્ટિંગ ટીચર બની ગયા? નસીર સાહેબે આ અંગે પણ સંવેદના વ્યક્ત કરવી જોઈએ.'
પીયૂષ મિશ્રાએ ઝારખંડ વિદ્યાર્થી આંદોલનમાં સામેલ થઈને કહ્યું કે જ્યારે તેમણે ઝારખંડ માટે નસીર સાહેબ પાસે મદ�દ માંગી હતી, ત્યારે તેમણે એક પાકિસ્તાની શાયરની નઝમ મોકલી આપી હતી. પીયૂષે કહ્યું, 'ત્યાંના લોકોને કોઈ શાયરની નઝમ નહીં, પરંતુ લોટ, દાળ, રોટલી, લિટ્ટી અને ચોખા જોઈતા હતા. તેમને કોઈ પિઝ્ઝા કે બર્ગર જોઈતું નહોતું.'
પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે તેઓ જ્યારે પણ કોઈ જાહેર નિવેદન આપશે, ત્યારે તેમને પીયૂષ મિશ્રા તરફથી જવાબ ચોક્કસ મળશે. તેમણે પોતાને નસીર સાહેબના જૂના પરિચિત ગણાવીને 'ઇન્કલાબ ઝિંદાબાદ' સાથે પોતાની વાત પૂરી કરી.
નસીરુદ્દીન શાહ અને પીયૂષ મિશ્રા વચ્ચેનો આ વિવાદ નવો નથી. અગાઉ દિલ્હીમાં યોજાયેલા નીટ (NEET) પ્રોટેસ્ટ દરમિયાન નસીરુદ્દીન શાહે બોલિવૂડ હસ્તીઓના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. જવાબમાં પીયૂષ મિશ્રાએ ઝારખંડ પ્રોટેસ્ટમાં પહોંચીને નસીરુદ્દીન શાહના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમના પર કટાક્ષ કર્યો હતો.
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પર સેલિબ્રિટીઓની ચુપ્પી અંગે વાત કરતાં નસીરુદ્દીન શાહે ધ વાયરને કહ્યું હતું કે, 'જ્યારે કલાકારોની આત્મા જાગશે, ત્યારે તેઓ બોલશે.' તેમણે એક કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'જેના મોઢામાં હાડકું હોય છે, તે કૂતરો ભસી શકતો નથી. જેવું મોઢામાંથી હાડકું પડશે કે દાંત તૂટશે, તેઓ ભસવા લાગશે.'