સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપને ભારતના મંત્રીનો સખત પ્રશ્ન: 'ગરબડ તમે કરી, જવાબદાર અમને ઠેરવો છો'

યુરોપને ભારતના મંત્રીનો સખત પ્રશ્ન: 'ગરબડ તમે કરી, જવાબદાર અમને ઠેરવો છો'

જર્મનીની રાજધાની બર્લિનમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે યુરોપિયન યુનિયન (EU)ના કાર્બન ટેક્સ સામે ભારતનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે વૈશ્વિક પર્યાવરણીય સંકટ માટે વિકસિત દેશો જવાબદાર છે, ભારત નહીં.

પીયૂષ ગોયલે આંકડા સાથે સમજાવ્યું કે ભારત વિશ્વની લગભગ 17 ટકા વસ્તી ધરાવે છે, પરંતુ ગ્લોબલ કાર્બન ઉત્સર્જનમાં તેનો ફાળો 3 ટકાથી પણ ઓછો છે. સામે, યુરોપની વસ્તી વિશ્વની કુલ વસ્તીના માત્ર 3થી 4 ટકા જેટલી હોવા છતાં, ત્યાં પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન ભારત કરતાં 7થી 8 ગણું વધારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં દરેક દેશના ઐતિહાસિક યોગદાન અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.

ભારતે 140 કરોડથી વધુ નાગરિકોની ઊર્જા, ખોરાક અને અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી નિભાવવી પડે છે. તેમ છતાં, દેશ સ્વચ્છ ઊર્જા, સંસાધનોના પુનઃઉપયોગ અને સર્ક્યુલર ઈકોનોમી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. મંત્રીએ કહ્યું કે ભારત પર્યાવરણ પ્રત્યે જાગૃત છે, પરંતુ દેશની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરી શકે નહીં. ઐતિહાસિક રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા વિકસિત દેશો ભારત જેવા દેશો પર પોતાના કડક નિયમો લાદી શકે નહીં.

પીયૂષ ગોયલનું આ નિવેદન EUના 'કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ' (CBAM) એટલે કે કાર્બન ટેક્સ સામે ભારતની ચિંતા દર્શાવે છે. આ નીતિ હેઠળ યુરોપમાં આયાત થતાં સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, ખાતર, હાઇડ્રોજન અને વીજળી જેવા ઉત્પાદનો પર કાર્બન ઉત્સર્જનના આધારે વધારાનો ટેક્સ લાદવામાં આવશે. યુરોપનો દાવો છે કે આનાથી સમાન તક મળશે, પરંતુ ભારતને ડર છે કે આનાથી યુરોપના બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ જશે અને ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા પર વિપરીત અસર પડશે.

ભારત લાંબા સમયથી ગ્લોબલ મંચ પર ભાર મૂકે છે કે પર્યાવરણ અને હવામાનમાં થતા ફેરફારો સામે લડવું એ વિશ્વના તમામ દેશોની સામૂહિક જવાબદારી છે. જોકે, આ લડાઈમાં દરેક દેશની ભૂમિકા અને ક્ષમતા એકસરખી હોઈ શકે નહીં. ભારતનું સ્પષ્ટ માનવું છે કે અમીર અને વિકસિત દેશોએ ભૂતકાળમાં ઉદ્યોગો અને વિકાસના નામે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવ્યું છે, તેથી તેમની જવાબદારી પણ વધારે બને છે. વિકસિત દેશોએ પોતાની મજબૂત આર્થિક સ્થિતિનો ઉપયોગ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોને સ્વચ્છ ઊર્જા અપનાવવા માટે જરૂરી નાણાકીય સહાય અને આધુનિક ટેક્નોલોજી પૂરી પાડવી જોઈએ. ભારત પર્યાવરણના રક્ષણ માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે, પરંતુ તે એવી નીતિઓ કે નિયમોનો વિરોધ કરે છે જેનાથી તેના દેશના આર્થિક વિકાસ, વેપાર અને નિકાસ પર ખોટો બોજ પડે.