સત્ય. સાહસ. સંકલ્પ.

પિતૃપક્ષ 16 દિવસનો જ કેમ? જાણો દાનવીર કર્ણની કથા અને જ્યોતિષીય મહત્વ

પિતૃપક્ષ 16 દિવસનો જ કેમ? જાણો દાનવીર કર્ણની કથા અને જ્યોતિષીય મહત્વ

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ મહત્વનો સમય માનવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ 26 સપ્ટેમ્બર, શનિવારે ભાદરવી પૂનમથી શરૂ થયો છે અને 10 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસે પૂરો થશે. આ 16 દિવસ દરમિયાન લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરે છે. આ 16 દિવસના સમયગાળા પાછળ શાસ્ત્રોમાં ઊંડું પૌરાણિક અને જ્યોતિષીય રહસ્ય જણાવવામાં આવ્યું છે.

16 તિથિઓનું ચક્ર અને જ્યોતિષીય મહત્વ

પિતૃપક્ષ ભાદરવા સુદ પૂનમથી શરૂ થઈને આસો વદ અમાસ (સર્વપિતૃ અમાસ) સુધી 16 દિવસનો હોય છે. હિન્દુ પંચાંગ મુજબ પૂનમ, એકમ (પ્રતિપદા)થી લઈને અમાસ સુધી કુલ 16 તિથિઓ આવે છે. વ્યક્તિનું અવસાન જે તિથિએ થયું હોય, તે તિથિએ જ પિતૃપક્ષમાં તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માન્યતા છે કે આ 16 દિવસ દરમિયાન પિતૃલોક પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ સમયે પિતૃઓને જળ અર્પણ કે તર્પણ કરવામાં આવે ત્યારે પૂર્વજોને સીધી તૃપ્તિ અને મુક્તિ મળે છે. આથી જ પંચાંગની તમામ 16 તિથિઓનું શ્રાદ્ધમાં સર્વોચ્ચ મહત્વ રહેલું છે.

મહાભારત કાળ અને દાનવીર કર્ણ સાથે જોડાયેલી કથા

16 દિવસના આ પવિત્ર પક્ષની શરૂઆત પાછળ મહાભારત કાળ સાથે જોડાયેલી એક લોકપ્રિય કથા છે. મહાભારતના યુદ્ધમાં દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી, ત્યારે ત્યાં તેમને ભોજનના સ્થાને માત્ર સોનું અને ચાંદી પીરસવામાં આવ્યા. કર્ણે આનું કારણ પૂછ્યું, ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તેમણે આખા જીવન દરમિયાન માત્ર સુવર્ણનું જ દાન કર્યું હતું, પરંતુ પોતાના પૂર્વજોને ક્યારેય અન્ન કે જળનું તર્પણ કર્યું ન હતું. આ ભૂલ સુધારવા માટે કર્ણને એક તક આપવામાં આવી અને તેમને 16 દિવસ માટે પૃથ્વી પર પાછા મોકલવામાં આવ્યા. પૃથ્વી પર આવીને કર્ણે આ 16 દિવસો દરમિયાન પોતાના પિતૃઓનું વિધિવત તર્પણ અને પિંડદાન કર્યું. માનવામાં આવે છે કે ત્યારથી જ 16 દિવસના પિતૃપક્ષની પરંપરા શરૂ થઈ.

16 દિવસ સુધી તર્પણ અને શ્રાદ્ધ કરવાનું મહત્વ

16 તિથિઓનો નિયમ: પંચાંગની પૂનમ, એકમથી અમાસ સુધીની 16 તિથિઓ પર મૃત્યુ તિથિ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ થાય છે.

પિતૃલોકની નિકટતા: આ 16 દિવસ દરમિયાન પિતૃલોક પૃથ્વીની સૌથી નજીક હોવાથી શ્રાદ્ધ-તર્પણ સીધું પૂર્વજો સુધી પહોંચે છે.

પિતૃઓને મુક્તિ: આ સમયગાળામાં અર્પણ કરાયેલું જળ અને અન્ન પિતૃઓને આત્મિક શાંતિ, તૃપ્તિ અને મોક્ષ અપાવે છે.

દાનવીર કર્ણની પરંપરા: કર્ણ દ્વારા 16 દિવસ સુધી પૃથ્વી પર આવીને કરાયેલા તર્પણ બાદ આ પ્રથા અવિરત ચાલી આવે છે.

અન્ન અને જળ તર્પણનું ફળ: પૂર્વજોના નિમિત્તે અન્ન-જળનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને વંશજોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

ડિસ્ક્લેમર: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય વિગતો પર આધારિત છે.