સત્ય. સાહસ. સંકલ્પ.

મીન રાશિ વાર્ષિક રાશિફળ 2026: શનિની પનોતી વચ્ચે નોકરી અને ધનમાં લાભનો યોગ

મીન રાશિ વાર્ષિક રાશિફળ 2026: શનિની પનોતી વચ્ચે નોકરી અને ધનમાં લાભનો યોગ

વિક્રમ સંવત 2083 ગત 10 નવેમ્બર, મંગળવારથી શરૂ થયું છે. આ પૂરું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે, તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ.

નવા વર્ષમાં દાંપત્ય જીવનમાં સંતુલન જાળવવું પડશે. જીવનસાથી સાથે વિચારો કે કામ કરવાની રીત અંગે મતભેદ થઈ શકે છે. મૂળ કુંડળીમાં દાંપત્યભાવ શુભ હોય તો મુશ્કેલી સામાન્ય રહેશે, પણ કુંડળી નબળી હોય તો મે/જૂન સુધી સંબંધોમાં ઠંડક રહી શકે છે. અવિવાહિત મીનલગ્ન જાતકોને ધીરજ રાખવાની સલાહ છે.

આરોગ્યની કાળજી રાખવી પડશે. નિયમિત વ્યાયામ કે યોગાસન જરૂરી છે. રોજ રાત્રે 15 મિનિટ ધ્યાન કરવાથી અનિદ્રા દૂર થશે. રોજિંદી જવાબદારીઓ તો ચાલુ જ રહેશે, પણ થોડો આરામ હવે જરૂરી છે. પાંચથી પંદર દિવસનો વિસામો લઈ પ્રકૃતિ વચ્ચે જવાની સલાહ છે. પ્રવાસ તમારામાં નવો ઉત્સાહ ભરશે.

અભ્યાસમાં આળસ અને વધુ પડતો આત્મવિશ્વાસ પરિણામ બદલી શકે છે. આ વર્ષે અગત્યની પરીક્ષા હોય તો એકાગ્રતા વધારવી પડશે. મૂળ કુંડળીમાં ભણતરનો પંચમ ભાવ અને સંબંધિત ગ્રહો શુભ હોય, દશા પણ શુભ હોય તો ચિંતાની જરૂર નથી. જોકે ભણતરના સ્થાનમાં કેતુનું ભ્રમણ કંઈક ફેરફાર લાવી શકે છે.

કાયમી નોકરી હોય તો ચિંતા નથી, પણ નવી નોકરીની શોધમાં હોય તો માર્ચથી મે મહિનાનો સમય શુભ રહેશે. એ પછી પગાર મામલે થોડી બાંધછોડ કરવી પડે. એપ્રિલમાં વેપારી મિત્રોની નિયમિત આવક જળવાઈ રહેશે. ભાગીદારીમાં ગેરસમજ હોય તો એપ્રિલ પછી સ્થિતિ બદલાશે અને સમાધાન આવશે. ખેતીના કામમાં મહેનત પછી સફળતા મળશે.

સૂર્ય, મંગળ કે બુધની મહાદશા કે આંતરદશા ચાલુ હોય તો જમીન-મકાનમાં રોકાણ માટે સમય અનુકૂળ છે. પ્રયત્નો વધારવાથી મિલકતને લગતાં કામ પૂરાં થઈ શકે છે. લોન, ઉધારી અને હિસાબ સરળતાથી પતી જશે. પનોતીનો સમય હોવાથી મોટું જોખમ લેતાં પહેલાં કોઈની સલાહ લેવી.

કોર્ટ-કચેરીની બાબતોમાં ગૂંચવાડો કે વિલંબ હોય તો હવે દૂર થશે. ચિત્ર વધુ સ્પષ્ટ થશે અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. 2027માં જૂન પછીનો સમય ન્યાયિક બાબતોમાં સમાધાન કે સફળતા આપશે. પ્રયત્નો વધારી સુખદ અંત લાવવો. વેપારમાં પ્રતિસ્પર્ધી સાથે સીધી લડતની શક્યતા ઓછી છે.

બોલવાના કારણે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. કુટુંબની જવાબદારી નિભાવવી, પણ સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવું. રોજિંદા કામકાજનું સમયપત્રક પ્રમાણે આયોજન કરવું, એટલે નિયમિત દિનચર્યા જરૂરી રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે વાદવિવાદથી દૂર રહેવું.

પ્રેમ સાચો હોય, સાથી યોગ્ય હોય અને પરિવારની સંમતિ પણ હોય તો સમય ખેંચવાનો અર્થ નથી. માનસિક ઉચાટ બાજુ પર મૂકી નિર્ણય લેવો, કારણ કે સગાઈ/લગ્નનો યોગ માર્ચ/એપ્રિલ સુધી છે. એ પછી લાગણીના સંબંધમાં મતભેદ કે ગેરસમજ ઊભી થઈ શકે છે. મીનલગ્ન યુવાનોને આ ખાસ લાગુ પડે છે.

છેલ્લા મહિનાઓમાં લાંબા પ્રવાસ અને ધાર્મિક યાત્રાનો શુભ યોગ હતો. કોઈ કારણસર પ્રવાસ સ્થગિત થયો હોય તો ફરી યોગ આવી રહ્યો છે. માર્ચથી મે મહિનો ઉનાળુ વેકેશનમાં વિદેશ પ્રવાસ અને ધાર્મિક યાત્રા માટે બળવાન છે. બિઝનેસ ટુર કરતાં મિત્રો કે પરિવાર સાથેની ટુર વધુ યાદગાર બનશે.

પનોતીની અસરથી વિચાર-વાયુ કે વાત-દોષની ફરિયાદ રહી શકે છે. તેથી નિયમિત સમયે ગરમ અને પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, તલ કે સરસિયાના તેલથી માલિશ, હળવો વ્યાયામ અને યોગાસન લાભદાયક છે. શ્રમિકો કે જરૂરિયાતમંદોને મદદ કરવી, કાળા તલ કે અડદનું દાન કરવું અને શનિ કે હનુમાનજીના મંત્રનો નિયમિત જાપ કરવો.

શનિની પનોતી દરમિયાન માનસિક શ્રમ સામાન્ય છે. કુંડળી બળવાન હોય તો પનોતીમાં પ્રમોશન મળી શકે. એપ્રિલ/મે પછી માનસિક સ્થિરતા વધશે. આર્થિક આવક જળવાઈ રહેશે. લોન, ઉધારી અને લેવડ-દેવડ માટે સમય અનુકૂળ છે, પણ ફેબ્રુઆરી/માર્ચમાં મોટું જોખમ ટાળવું. સુરક્ષિત રોકાણ માટે નવું વર્ષ શુભ છે.

આ વર્ષે ગુરુનું ભ્રમણ એકંદરે શુભ રહેશે. આરોગ્યમાં થોડી કાળજી રાખવી પડશે. રોજિંદી દિનચર્યા યોગ્ય રહેશે અને ખાનપાનનું ધ્યાન રાખશો તો લાભ થશે.