સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્લાઇટ હાઇજેકની કટોકટીમાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે હનુમાન ચાલીસા બોલ્યા, PM મોદીને કહ્યું- હનુમાનજીએ બચાવ્યા

ફ્લાઇટ હાઇજેકની કટોકટીમાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે હનુમાન ચાલીસા બોલ્યા, PM મોદીને કહ્યું- હનુમાનજીએ બચાવ્યા

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઇટમાં કો-પાયલટના હુમલા દરમિયાન પ્લેન પરનો કંટ્રોલ જાળવી રાખનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે પોતાની તબિયત અંગે માહિતી આપી હતી અને તે કટોકટીની ક્ષણોમાં તેમની માનસિક સ્થિતિ શું હતી તે પણ જણાવ્યું હતું.

ઘટનાની વિગત મુજબ, ફ્લાઇટમાં કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. એ સમયે પ્લેન હાઇજેક થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો સમયસર સૂઝબૂજ અને સાહસનો પરિચય ન આપ્યો હોત, તો પ્લેન ક્રેશ થઈ શક્યું હતું. કો-પાયલટ પ્લેન હાઇજેક કરીને 9/11 જેવી ઘટનાને અંજામ આપી શક્યો હતો. પરંતુ કેપ્ટન સ્મિત મચ્છરે બહાદુરીથી તેનો સામનો કર્યો અને 180 લોકોના જીવ બચાવ્યા. આ હુમલામાં તેઓ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, છતાં તેમણે પ્લેન પરનો કંટ્રોલ જાળવી રાખ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબરે કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે સમગ્ર ઘટના અને સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. આ સમયે સ્મિત મચ્છરે વડાપ્રધાનને જણાવ્યું કે જ્યારે પણ તેઓ પીડામાં કે મુશ્કેલીમાં હોય છે ત્યારે હનુમાનજીને યાદ કરે છે. ફ્લાઇટ કો-પાયલટ સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન જીવન-મરણની એ લડાઈ વચ્ચે પણ તેઓ હનુમાન ચાલીસા બોલી રહ્યા હતા.

સ્મિતે વધુમાં જણાવ્યું કે તેમને બજરંગબલિ પ્રત્યે અપાર આસ્થા છે અને તેમનો તથા ફ્લાઇટમાં સવાર તમામ યાત્રિકોનો જીવ હનુમાનજીએ બચાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ જ્યારે અત્યંત ગંભીર રીતે ઘાયલ હતા અને લોહીલુહાણ હાલતમાં હતા, ત્યારે પણ તેઓ મનોમન હનુમાન ચાલીસાનું રટણ કરી રહ્યા હતા.

આ ઘટનાને લઈને અન્ય સવાલો પણ ઉઠી રહ્યા છે, જેમ કે દુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટે શું કહ્યું હતું અને આ કથિત આતંકી પાયલટનું નામ કેમ જાહેર નથી કરાયું.