સત્ય. સાહસ. સંકલ્પ.

કોકપિટમાં નમાઝ બાદ હુમલો: કેપ્ટન સ્મિત મચ્છરે નેતન્યાહુને શું જણાવ્યું

કોકપિટમાં નમાઝ બાદ હુમલો: કેપ્ટન સ્મિત મચ્છરે નેતન્યાહુને શું જણાવ્યું

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ શનિવારે દુબઈથી ઉડતી ફ્લાઈટના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તેમણે કેપ્ટનને ઈઝરાયેલ, ભારત અને સમગ્ર દુનિયા માટે હિરો ગણાવ્યા અને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રગટાવવા આમંત્રણ આપ્યું હતું.

વાતચીત દરમિયાન નેતન્યાહુએ કેપ્ટનને પૂછ્યું કે આ બધું કેવી રીતે શરૂ થયું. જવાબમાં કેપ્ટન સ્મિત મચ્છરે 30 સપ્ટેમ્બરના રોજ કોકપિટમાં બનેલી ઘટનાનો ચિતાર આપ્યો હતો.

કેપ્ટને જણાવ્યું કે કો-પાયલટ નમાઝ પઢવાનું કહીને ઉઠ્યો હતો. તેની ધાર્મિક બાબતનું સન્માન રાખીને કેપ્ટને પાછળ નજર કરી નહોતી. પરંતુ થોડી જ સેકન્ડોમાં તેમને અચાનક જોરદાર ઝટકો લાગ્યો. પહેલા તેમને લાગ્યું કે વિમાનમાં કંઈક થયું છે. જ્યારે ફરી ઈજા થઈ ત્યારે તેમને સમજાયું કે આ હુમલો કો-પાયલટ કરી રહ્યો છે.

કેપ્ટનના જણાવ્યા મુજબ, કો-પાયલટે પાછળથી કુહાડી વડે તેમના પર હુમલો કર્યો હતો. કેપ્ટને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો, પરંતુ હુમલાખોરે ફરી દરવાજો બંધ કરી દીધો. હુમલા બાદ કેપ્ટન નીચે ઢળી પડ્યા હતા.

વિમાન નીચે જઈ રહ્યું હોવાનું અનુભવતા કેપ્ટને પૂરી તાકાત અને હિંમતથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અને આખરે દરવાજો ખોલી દીધો. દરવાજો ખૂલતાં અન્ય પાયલટે કંટ્રોલ હાથમાં લઈ સ્થિતિ સંભાળી લીધી હતી, જેથી સહુનો જીવ બચી ગયો.

આ ઘટનાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થાય છે, જેમ કે હુમલા પહેલા કો-પાયલટે શું કહ્યું હતું અને આરોપી પાયલટનું નામ કેમ જાહેર કરવામાં આવ્યું નથી. આ અંગે અધિકૃત માહિતી હજુ સુધી સામે આવી નથી.