સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું ખરીદવું કે ગોલ્ડ ETF? 10 ગ્રામ પર 15,000 રૂપિયા સુધીની બચત, રોકાણ પહેલાં સમજો ગણતરી

સોનું ખરીદવું કે ગોલ્ડ ETF? 10 ગ્રામ પર 15,000 રૂપિયા સુધીની બચત, રોકાણ પહેલાં સમજો ગણતરી

ભારતમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ નહીં, પણ મુશ્કેલીના સમયે સહારો અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આજે પણ ઘણા લોકો દાગીના, સિક્કા કે લગડી સ્વરૂપે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેનું કારણ માત્ર નફો નથી, પણ સાંસ્કૃતિક પરંપરા અને વર્ષોનો વિશ્વાસ છે. જોકે, હવે ગોલ્ડ ETF પણ સરળ, પારદર્શક અને સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, છેલ્લા 15 વર્ષમાં સોનાએ સરેરાશ 9થી 10 ટકા વાર્ષિક વળતર આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં તો તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે, જેમાં રોકાણકારોને વાર્ષિક આશરે 12 ટકા વળતર મળ્યું છે. તેથી જ શેરબજારમાં અસ્થિરતા વધે ત્યારે લોકો સોના પર ભરોસો કરે છે.

પણ સોનું ખરીદતી વખતે કેટલાક ખર્ચ ધ્યાનમાં લેવા જરૂરી છે. દાગીના ખરીદતી વખતે મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે, જે રોકાણનો ખર્ચ વધારે છે. ઘરમાં સોનું રાખવાથી ચોરીનો ભય રહે છે અને લોકર માટે ભાડું આપવું પડે છે. શુદ્ધતા અંગે પણ શંકા રહે છે. વેચતી વખતે મેકિંગ ચાર્જ અને ઘસારાની કપાત થાય છે, જેથી પૂરું મૂલ્ય મળતું નથી.

10 ગ્રામ ભૌતિક સોનું ખરીદવા પર 3% GST અને ઓછામાં ઓછો 10થી 15% મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાનો ખર્ચ 10 ગ્રામ સોના પર 10,000થી 15,000 રૂપિયા સુધી થઈ શકે છે.

ભારતમાં 2007માં શરૂ થયા બાદ ગોલ્ડ ETFએ સોનામાં રોકાણની રીતને સરળ અને પારદર્શક બનાવી છે. શેરબજારમાં શેરની જેમ તમે ડીમેટ એકાઉન્ટ દ્વારા લાઇવ માર્કેટ રેટ પર મિનિટોમાં ખરીદી કે વેચાણ કરી શકો છો.

10થી 15 વર્ષની સરખામણીમાં ગોલ્ડ ETFએ ફિઝિકલ ગોલ્ડ જેટલું જ રિટર્ન આપ્યું છે. તેને મેનેજ કરવા કંપનીઓ 0.3થી 1 ટકા વાર્ષિક ફંડ મેનેજમેન્ટ ચાર્જ લે છે, જે દાગીનાના મેકિંગ ચાર્જ કરતાં ઘણો ઓછો છે. ETF 99.5 ટકા શુદ્ધ 24 કેરેટ સોનાના બેકઅપ પર આધારિત હોય છે, તેથી ભેળસેળ, ચોરી કે લોકરની ચિંતા નથી.

બંને વિકલ્પોનું પોતપોતાનું મહત્વ છે. જો લાંબા ગાળે સંપત્તિ ઉમેરવી હોય અને ઝંઝટ વગર સુરક્ષિત રોકાણ જોઈએ, તો ગોલ્ડ ETF પારદર્શક અને ઓછા ખર્ચાળ માધ્યમ છે. પરંતુ લગ્નપ્રસંગ, ઘરેણાં બનાવડાવવા કે ભેટ આપવા માટે ફિઝિકલ ગોલ્ડ વધુ યોગ્ય રહે છે.