સત્ય. સાહસ. સંકલ્પ.

થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટ નજીક ભીષણ આગ, 11ના મોત, 16 ઘાયલ

થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટ નજીક ભીષણ આગ, 11ના મોત, 16 ઘાયલ

થાઈલેન્ડના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફૂકેટમાં વહેલી સવારે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે આશરે 3:17થી 3:20 વાગ્યાની આસપાસ પાતોંગ બીચ નજીકના ફાંગ મુઆંગ સાઈ કોર રોડ પર આવેલી એક ઇમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય ચાલતો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આસપાસની અન્ય ઇમારતોને પણ લપેટમાં લીધી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ 40થી 50 મિનિટથી લઈને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે ન્યૂઝ એજન્સીને આપેલી માહિતી મુજબ, મૃતકો કે ઘાયલોમાં કોઈ વિદેશી પ્રવાસી સામેલ નથી. પ્રાથમિક અહેવાલો અનુસાર, 16 ઘાયલોમાંથી 15 થાઈ નાગરિકો છે, જ્યારે એક વ્યક્તિ મ્યાનમારનો રહેવાસી છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાતોંગ જેવા ભીડવાળા પ્રવાસન વિસ્તારમાં આટલી મોટી આગ લાગવાથી સ્થાનિક તંત્રની ચિંતા વધી છે. પોલીસ અને વહીવટી તંત્રે આગ લાગવાનાં ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે.