સત્ય. સાહસ. સંકલ્પ.

ફિલિપાઈન્સમાં ફેરીમાં આગ, 5ના મોત, 80થી વધુ ગુમ

ફિલિપાઈન્સમાં ફેરીમાં આગ, 5ના મોત, 80થી વધુ ગુમ

ફિલિપાઈન્સના પલાવાન ટાપુ નજીક બુધવારે રાત્રે એક ફેરીમાં ભીષણ આગ લાગી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 80થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, દરિયાકિનારાથી લગભગ 2.2 કિલોમીટર દૂર આ આગ લાગી હતી. કોસ્ટ ગાર્ડે 43 લોકોને બચાવી લીધા છે.

કોસ્ટ ગાર્ડે જારી કરેલા ફૂટેજમાં જહાજના અમુક ભાગમાં આગ ભડકતી અને બચાવ કર્મચારીઓ મૃતદેહોને બેગમાં લઈ જતા જોઈ શકાય છે. પાંચ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા, જેને કિનારે લાવવામાં આવ્યા હતા.

જોકે, આગ લાગી ત્યારે ફેરીમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો ગુમ છે તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જહાજ પર જનારા લોકોની રેકોર્ડબુક અનુસાર, આ ફેરીમાં 134 મુસાફરો હોવાની આશંકા છે. બચાવ કાર્ય ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.