ભારતમાં આવતા મહિને એટલે કે નવેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, નવેમ્બર દરમિયાન ઇંધણના ભાવમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. આ સમય એટલા માટે મહત્ત્વનો છે કારણ કે આવતા વર્ષે 7 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમાંથી પાંચ રાજ્યોમાં માર્ચ અને મે વચ્ચે મતદાન થવાનું છે, જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. ચૂંટણીનો પ્રચાર શરૂ થાય તે પહેલાં ભાવ વધારવાની સરકાર પાસે મર્યાદિત તક છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમન પ્રસાદે જણાવ્યું હતું કે નવેમ્બરમાં પેટ્રોલના ભાવમાં વધારાની શક્યતા દેખાઈ રહી છે. આ વધારો ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય ચર્ચા ઊભી કરી શકે છે.
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના જણાવ્યા અનુસાર, આ વધારો ગયા મે મહિનામાં કરવામાં આવેલા ભાવ વધારાના અડધો હોઈ શકે છે. મે મહિનામાં મધ્ય પૂર્વમાં તણાવને કારણે રિટેલ ઇંધણના ભાવ વધ્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આવા વધારાથી છૂટક મોંઘવારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.2 ટકા અને 2027ના પ્રથમ ત્રણ મહિનામાં 6.5 ટકા સુધી પહોંચી શકે છે, જે RBIના 2થી 6 ટકાના મોંઘવારી લક્ષ્યાંક કરતાં વધુ છે.
આ મહિનાની શરૂઆતમાં નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં RBIએ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે મોંઘવારી 6% રહેવાનો અંદાજ લગાવ્યો હતો, જે જાન્યુઆરી-માર્ચમાં ઘટીને 5.7% થઈ જશે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સને આશા છે કે આવતા વર્ષે કિંમતો પર દબાણ વધશે અને માર્ચમાં સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે મોંઘવારી 5.4% રહેશે, જ્યારે RBIનું અનુમાન 5.2% છે.
અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો સરકાર નવેમ્બરમાં ઇંધણના ભાવમાં વધારાની જાહેરાત નહીં કરે, તો ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના મોંઘવારી અનુમાન આગામી ત્રિમાસિકોમાં 10થી 30 બેસિસ પોઈન્ટ સુધી ઘટી શકે છે. તેમ છતાં, મોંઘવારી ઊંચી રહેશે, જેના કારણે RBIને ઓક્ટોબરમાં વધારા બાદ ડિસેમ્બર અને ફેબ્રુઆરીની નીતિ બેઠકોમાં વ્યાજ દરોમાં 25થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવો પડી શકે છે.
બીજી તરફ, શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. 16 ઓક્ટોબરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ મે મહિના પછી પ્રથમ વખત 110 ડોલર પ્રતિ બેરલની ઊંચાઈએ પહોંચ્યું, પરંતુ બાદમાં ઘટીને 109.86 ડોલર પર બંધ થયું. અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 3.5% વધીને 101.41 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું. સપ્તાહ દરમિયાન WTIમાં 10%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બ્રેન્ટમાં લગભગ 5%નો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો મોંઘવારી ઝડપથી વધવા જેવા જોખમની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જેની અસર ભારત પર પણ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
આ વધારો એવા સમયે થયો છે, જ્યારે ઊર્જાના મહત્ત્વપૂર્ણ માર્ગો જેવા કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં એકસાથે ઊભા થયેલા જોખમને કારણે ભાવમાં ઝડપી વધારો થયો છે. મધ્ય પૂર્વમાં ઈરાને હોર્મુઝમાં હુમલા કર્યા, જેના કારણે આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પરથી પસાર થતા વ્યાપારી જહાજો અને પેટ્રોલિયમના પરિવહનમાં ગંભીર અવરોધ ઊભો થયો.
નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે જો લાંબા સમય સુધી ઓઈલના ભાવ આટલા ઊંચા સ્તરે રહે છે, તો ભારત પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે, પરિવહન ખર્ચ પણ વધશે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પોતાના ઉત્પાદનોના ભાવ વધારી શકે છે. એકંદરે ભારત પર પણ મોંઘવારી હાવી થઈ શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતની મોટા ભાગની ઊર્જા કાચા ઓઈલમાંથી પૂરી કરે છે અને તેની આયાત અન્ય દેશોમાંથી જ કરે છે.