સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી: 20 બાળકો સહિત 21ના મોત

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી: 20 બાળકો સહિત 21ના મોત

પાકિસ્તાનના પેશાવર શહેરના દીર કોલોની વિસ્તારમાં ગુરુવારે એક ખાનગી સ્કૂલની છત ધરાશાયી થઈ જવાની ઘટનામાં 21 લોકોના મોત થયા છે. મૃતકોમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષકનો સમાવેશ થાય છે. બધા વિદ્યાર્થીઓની ઉંમર 13 વર્ષ કે તેનાથી ઓછી હતી.

આ દુર્ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ સ્કૂલ પરિસરમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. પાકિસ્તાની સેનાના જવાનો પણ બચાવ અને રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. તેઓ કાટમાળમાં દટાયેલા બાળકો અને સ્કૂલના કર્મચારીઓને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.

પાકિસ્તાનમાં છત અને ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તેનું મુખ્ય કારણ સુરક્ષા ધોરણોની અવગણના અને બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ ગણાય છે.

છેલ્લા છ મહિનામાં સ્કૂલો ધરાશાયી થવાની ચાર મોટી ઘટનાઓ બની છે:

  • ઉમરકોટ: જુલાઈમાં એક સરકારી સ્કૂલની બહારની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકીઓના મોત થયા હતા.
  • લાહોર: જુલાઈમાં જ બાગબાનપુરા વિસ્તારમાં નિર્માણાધીન ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં એક બાળકનું મોત થયું હતું.
  • લાહોર: જૂનમાં કહના વિસ્તારમાં એક ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં 14 બાળકોના મોત થયા હતા.
  • ડેરા ગાઝી ખાન: મે મહિનામાં સ્કૂલની છત ધરાશાયી થઈ હતી, જેમાં ચાર બાળકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.