સત્ય. સાહસ. સંકલ્પ.

પેરુમાં 3,000 ટારન્ટુલાની દાણચોરી પકડાઈ, ગંદા મોજાંમાં છુપાવીને જર્મની લઈ જવાઈ રહ્યા હતા

પેરુમાં 3,000 ટારન્ટુલાની દાણચોરી પકડાઈ, ગંદા મોજાંમાં છુપાવીને જર્મની લઈ જવાઈ રહ્યા હતા

પેરુની રાજધાની લિમા ખાતે આવેલા જોર્જ ચાવેઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 3,000 જીવંત ટારન્ટુલા (મોટા કદના કરોળિયા) સાથે ત્રણ વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા. આ ઘટના 3 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે આ ત્રણેય જણા જર્મની જતી ફ્લાઇટ માટે ચેક-ઇન કરી રહ્યા હતા.

પેરુની રાષ્ટ્રીય વન અને વન્યજીવ સેવા (SERFOR) અને પર્યાવરણીય ગુનાઓ સંભાળતા પોલીસને પહેલાંથી બાતમી મળી હતી કે કોઈ જંગલી પ્રાણીઓની દાણચોરી કરવાની યોજના બનાવી રહ્યું છે. આથી અધિકારીઓ સતર્ક હતા.

મુસાફરોની સૂટકેસની નિયમિત તપાસ દરમિયાન અધિકારીઓને અંદર કંઈક હલચલ થતી જણાઈ. સૂટકેસ ખોલતાં તેમાં 15 થી 22 ગંદા મોજાં ભરેલાં હતાં. દરેક મોજાંની અંદર નાના પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેમાં આ ટારન્ટુલા છુપાવવામાં આવ્યા હતા. મોજાં પર લેબલ પણ લગાવવામાં આવ્યાં હતાં.

મળી આવેલા ટારન્ટુલા એકસરખા નહોતા. તેમાં ઈંડાં, નાના કરોળિયા અને પુખ્ત વયના ટારન્ટુલાનો સમાવેશ થતો હતો. આ કરોળિયા પેરુના વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં એમેઝોનના વર્ષાવનમાંથી લાવવામાં આવેલા કેટલાક ખૂબ મોટા કદના કરોળિયા પણ સામેલ હતા. તેમાં એક એવી પ્રજાતિ પણ હતી જે લુપ્તપ્રાય છે, જેને પકડવી કે વેચવી કાયદેસર નથી.

પકડાયેલા ત્રણમાં બે જર્મન નાગરિકો અને એક પોલિશ નાગરિકનો સમાવેશ થાય છે. ત્રણેયની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી થશે. પેરુના કાયદા મુજબ દોષિત સાબિત થાય તો તેમને 3 થી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

SERFORના અધિકારી કોરા સુઆરેઝે જણાવ્યું કે યુરોપમાં એક ટારન્ટુલા આશરે 500 યુરોમાં, એટલે કે લગભગ 50,000 રૂપિયામાં વેચાય છે. શોખીનો, સંગ્રહકર્તાઓ અને સંશોધકો તેમને ખરીદે છે. આ રીતે 3,000 ટારન્ટુલાની કિંમત લાખો રૂપિયામાં થાય છે, જે આ દાણચોરીનું મુખ્ય કારણ છે.

હાલ તમામ 3,000 ટારન્ટુલા SERFORના કબજામાં છે અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ તેમને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે.

આ પહેલી ઘટના નથી. આ વર્ષે ઓગસ્ટમાં ટોક્યોના હનેદા એરપોર્ટ પર 23 વર્ષીય એક વ્યક્તિને 200 ગરોળીઓની દાણચોરીનો પ્રયાસ કરતાં પકડવામાં આવ્યો હતો. તેણે આ ગરોળીઓને મોજાંની 22 જોડમાં છુપાવી રાખી હતી.