ઘણા લોકો ઝડપથી ભાત બનાવવા પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે, જેથી ગેસની પણ બચત થાય છે. પરંતુ કૂકરમાં ભાત બરાબર બને તે માટે પાણીનું યોગ્ય પ્રમાણ જાણવું જરૂરી છે. ઘણી વખત ભાત વધુ પડતા રંધાઈ જાય છે અથવા તો યોગ્ય રીતે રંધાતા નથી. આવામાં પ્રેશર કૂકરનો સાચો ઉપયોગ તમારું કામ સરળ બનાવી શકે છે.
1 ગ્લાસ ચોખામાં કેટલું પાણી નાખવું?
ભાત બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ ચોખા લો. આના માટે પાણીનું પ્રમાણ ચોખાથી દોઢ ગણું રાખવું જોઈએ એટલે કે 1 ગ્લાસ ચોખા માટે 1.5 ગ્લાસ પાણી નાખો. ધ્યાન રાખો કે, જે ગ્લાસથી ચોખા માપો, તે જ ગ્લાસથી પાણી પણ માપો.
ચોખાને પહેલા સારી રીતે ધોઈ લો
ચોખાને રાંધતા પહેલા 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લો. આનાથી એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય છે અને ભાત વધારે ચીકણા નથી બનતા. ધોયા પછી ચોખાને સીધા પ્રેશર કૂકરમાં નાખી દો.
એક સીટીમાં બની જશે ‘ભાત’
કૂકરમાં ધોયેલા ચોખા અને માપેલું પાણી નાખીને ઢાંકણું બંધ કરી દો. હવે ગેસને તેજ આંચ પર રાખો, જેવી પહેલી સીટી વાગે, તરત જ ગેસ બંધ કરી દો. એકથી વધુ સીટી વાગવા દેવાની ભૂલ ન કરો, કારણ કે આનાથી ભાત વધારે રંધાઈ શકે છે.
કૂકરનું ઢાંકણું તરત ન ખોલો
ભાત સારા બનવાની સૌથી જરૂરી ટ્રીક આ જ છે. ગેસ બંધ કર્યા પછી કૂકરને 15 થી 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. હવે પૂરું પ્રેશર જ્યારે પોતાની જાતે નીકળી જાય, ત્યારે જ ઢાંકણું ખોલો. આનાથી ભાત વરાળમાં ધીમે-ધીમે પાકે છે અને તેના દાણા તૂટતા નથી.
આ સરળ રીત અપનાવીને તમે પણ ઘરે જ પરફેક્ટ ભાત બનાવી શકો છો.