ઉત્તર ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં બટાકા વાવ્યા. તેને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને પરિવારના સપનાં પૂરા થશે. પણ તેને ખબર નહોતી કે આ બટાકાના વાવેતરને કારણે તેનો સંઘર્ષ દુનિયાની જાયન્ટ કંપની સાથે થશે. વાત કોર્ટ સુધી પહોંચી. પેપ્સિકોએ દાવો કર્યો કે ખેડૂતે તેમના પેટન્ટ કરેલા બટાકાના બીજ વગર મંજૂરીએ વાવ્યા છે અને કરારનો ભંગ કર્યો છે. કંપનીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ખેડૂતો સામે પણ આવા જ કેસ કર્યા હતા.
આ મામલાનું મૂળ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં છે. મોટી કંપનીઓ ખેડૂતો પાસેથી બટાકા ખરીદવા માટે કરાર કરે છે. થોડા દિવસ પહેલાં પણ ઉત્તર ગુજરાતના ખેડૂતોએ બટાકાની કપાત, લોડિંગ ખર્ચ અને અંગ્રેજી કરાર જેવી કંપનીઓની મનસ્વી શરતો સામે વિરોધ કર્યો હતો. આ સંઘર્ષને કારણે 7 વર્ષ પહેલાંની ઘટના ફરી ચર્ચામાં આવી છે. તે સમયે ગુજરાતના ખેડૂતોની વહારે આવ્યા હતા એક મહિલા – કવિતા કુરુગંટી. તેમની લડતના કારણે પેપ્સિકો જેવી મોટી કંપનીએ ગુજરાતના નાના ખેડૂતો પર કરેલા કેસ પાછા ખેંચવા પડ્યા હતા.
એપ્રિલ 2019માં અમદાવાદની કોર્ટે પેપ્સિકોની તરફેણમાં ચુકાદો આપ્યો. આ સમાચાર છપાતાં કવિતા અને તેમના સાથીઓમાં ચર્ચા શરૂ થઈ. કવિતા કહે છે, "સમાચાર વાંચીને અમને થયું કે આવું કેવી રીતે થઈ શકે? આખી દુનિયામાં ક્યાંય નથી તેવો અલગ કાયદો ભારતમાં છે. ખેતપેદાશના બીજ અંગે કોઈ પેટન્ટ ન હોવી જોઈએ. તેના પર ખેડૂતોનો જ અધિકાર હોવો જોઈએ." 2001માં 'પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ એક્ટ' કાયદો બન્યો. તેમાં ખેડૂતોના અધિકારોને સર્વોપરી રખાયા હતા. કાયદામાં એવું પણ હતું કે કોઈ એવું ન કહી શકે કે ખેડૂતે જે બીજ વાવ્યું છે તે પેટન્ટનું ઉલ્લંઘન છે.
કવિતાએ તપાસ કરતાં જાણવા મળ્યું કે અમેરિકન કંપની મોન્સેન્ટો USA અને કેનેડામાં જાસૂસો દ્વારા તપાસ કરાવીને ખેડૂતો પર કેસ કરતી અને તેમને જેલ મોકલતી હતી. પેપ્સિકોએ ગુજરાતના ખેડૂતો સાથે આવું જ કર્યું હતું. પેપ્સિકોના દાવા બાદ ગુજરાતમાં મોટી ચર્ચા શરૂ થઈ. ભારતીય કિસાન સંઘ, બીજ અધિકાર મંચ, સામાજિક કાર્યકરો, ખેડૂતો અને વકીલ આનંદ યાજ્ઞિક પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા. દબાણમાં આવીને પેપ્સિકોએ અરવલ્લી અને અમદાવાદની કોર્ટ સહિત ગુજરાતની અલગ-અલગ અદાલતોમાંથી તમામ કેસો બિનશરતી પાછા ખેંચી લીધા.
આ ઝુંબેશે ખેડૂતો પરના કેસ પાછા ખેંચાવ્યા, પણ કવિતાને થયું કે ભવિષ્યમાં દેશના કોઈપણ ભાગમાં બીજી કોઈ કંપની ખેડૂતોને આવી રીતે હેરાન ન કરે તે માટે દાખલો બેસાડવો જરૂરી છે. તેથી તેમણે જાહેર હિતના આધારે કૃષિ મંત્રાલયમાં અરજી કરી. જેના પગલે પેપ્સિકોની પેટન્ટ રદ થઈ. પેપ્સિકોએ આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે કવિતાના પક્ષમાં નિર્ણય આપ્યો. જેની વિરુદ્ધ પેપ્સિકોએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી, જેમાં ડિવિઝન બેન્ચે પેપ્સિકોના પક્ષમાં નિર્ણય આપ્યો.
કવિતા કહે છે, "એ ડિવિઝન બેન્ચમાં જસ્ટિસ યશવંત વર્મા (જેમના ઘરમાંથી બળેલી રોકડ મળી હતી) પણ હતા. બેન્ચનો ચુકાદો મારા વિરુદ્ધ ગયા પછી મેં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 5મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે પેપ્સિકોની પેટન્ટનું સર્ટિફિકેટ રદ કરવાની અરજી ફગાવી દીધી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક ખેડૂતને એ હક છે કે તે જે બીજ ઇચ્છે તે વાવી શકે, ઉગાડી શકે, પણ બ્રાન્ડેડ રીતે વેચી ન શકે. જો પેપ્સિકો ફરીથી ખેડૂતો પર કેસ કરે તો ખેડૂત પોતાને આ ચુકાદા પ્રમાણે બચાવી શકે છે. કોર્ટ કેસ દરમિયાન પેપ્સિકો મારો સંપર્ક કરે તેવો કોઈ સવાલ જ ઊભો થતો નથી."