સત્ય. સાહસ. સંકલ્પ.

પેન્સિલવેનિયામાં સામૂહિક ગોળીબાર, બાળકો સહિત 9ના મોત; આ વર્ષે 320થી વધુ મોત

પેન્સિલવેનિયામાં સામૂહિક ગોળીબાર, બાળકો સહિત 9ના મોત; આ વર્ષે 320થી વધુ મોત

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં શુક્રવારે સાંજે થયેલા ગોળીબારમાં બાળકો સહિત નવ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. આશંકા છે કે તેણે પોતાને ગોળી મારી લીધી હતી. ઘટના પેરી સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી.

અમેરિકન ન્યૂઝ ચેનલ ડબલ્યુસીવીબીના અહેવાલ મુજબ, 24 સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે અમેરિકામાં સામૂહિક ગોળીબારની 343 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 320થી વધુ લોકોના મોત થયા છે.

એનબીસી ફિલાડેલ્ફિયાના અહેવાલ મુજબ, 9 ઑક્ટોબરે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને પેરી સ્ટ્રીટ પર ગોળીબારની જાણ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક વ્યક્તિએ ઘરની બહાર ગોળીબાર કર્યો અને પછી અંદર જતો રહ્યો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને રસ્તા પર બે મહિલાઓના મૃતદેહ મળ્યા. અહેવાલ મુજબ, તેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. ત્યારબાદ પોલીસ અને વિશેષ કમાન્ડો ટીમ (સ્વેટ)એ ઘરને ઘેરી લીધું. આ દરમિયાન ઘરની અંદરથી વધુ ગોળીઓ ચાલવાના અવાજો સંભળાયા.

બાદમાં જ્યારે પોલીસ ઘરની અંદર પ્રવેશી, ત્યારે ત્યાં વધુ સાત લોકોના મૃતદેહ મળ્યા, જેમાં બાળકો પણ સામેલ હતા. શંકાસ્પદ હુમલાખોર પણ ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો.

પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી. ગોળીબાર કેમ કરવામાં આવ્યો તેનું કારણ પણ હજી સામે આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ ચાલુ છે અને હાલ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ વર્ષે અમેરિકામાં બનેલી અન્ય મોટી ગોળીબારની ઘટનાઓ:

1 માર્ચ - ટેક્સાસ: ઓસ્ટિનમાં એક બારની બહાર ગોળીબારમાં 3 લોકોના મોત થયા અને 14 ઘાયલ થયા.

19 એપ્રિલ - લુઇઝિયાના: એક વ્યક્તિએ બે ઘરોમાં ગોળીબાર કરીને 8 બાળકોની હત્યા કરી. પોલીસ સાથેની અથડામણમાં તેનું પણ મોત થયું.

23 ઑગસ્ટ - મોન્ટાના: પરિવાર સાથે રવિવારનું ભોજન લેતી વખતે થયેલા ગોળીબારમાં 8 સંબંધીઓના મોત થયા, જેમાં 4 બાળકો હતાં. બાદમાં ઘરમાં આગ લાગી અને આરોપીનું પણ મોત થયું.

4 ઑક્ટોબર - જ્યોર્જિયા: એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં 2 લોકોના મોત થયા અને આશરે 35 લોકો ઘાયલ થયા.