રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પેટીએમની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ સર્વિસીસ લિમિટેડ (PPSL)ને તેના ડિજિટલ વોલેટ વ્યવસાયને ફરી શરૂ કરવા માટે સિદ્ધાંતિક (in-principle) મંજૂરી આપી છે. કંપનીએ શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આપેલી માહિતીમાં આ જાહેરાત કરી હતી.
જોકે, આ મંજૂરીનો અર્થ એ નથી કે ગ્રાહકો તરત જ વોલેટનો ઉપયોગ કરી શકશે. પેટીએમે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર સિદ્ધાંતિક મંજૂરી છે. અંતિમ મંજૂરી અથવા ‘સર્ટિફિકેટ ઓફ ઓથોરાઇઝેશન’ મળ્યા પછી જ PPSL ગ્રાહકોને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) અથવા ડિજિટલ વોલેટ સેવાઓ આપી શકશે. કંપનીએ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે વોલેટ લાયસન્સ માટે અરજી કરી છે.
RBIએ આ સિદ્ધાંતિક મંજૂરી સાથે છ મહિનાની કડક શરત મૂકી છે. PPSLએ તેની સિસ્ટમ્સનું ઓડિટ લાયકાત ધરાવતા સ્વતંત્ર ઓડિટર પાસે કરાવવું પડશે, જેમાં સાયબર સિક્યોરિટી ઓડિટ ફરજિયાત છે. આ ઓડિટ 5 નવેમ્બર, 2026ના રોજ RBI દ્વારા જારી કરાયેલા ‘સાયબર રેઝિલિયન્સ અને ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી કંટ્રોલ્સ’ અંગેના માસ્ટર ડાયરેક્શન્સ મુજબ થવું જોઈએ. કંપનીએ મંજૂરી પત્રની તારીખથી છ મહિનાની અંદર ઓડિટ રિપોર્ટ RBIને સબમિટ કરવો પડશે. જો નિર્ધારિત સમયમાં રિપોર્ટ નહીં આપવામાં આવે તો આ સિદ્ધાંતિક મંજૂરી આપોઆપ રદ થઈ જશે અને અંતિમ મંજૂરી અંગે કોઈ વિચારણા કરવામાં આવશે નહીં.
ઉપરાંત, RBIએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શેરહોલ્ડિંગ, માલિકી અને નિયંત્રણમાં થતા કોઈપણ ફેરફારો અંગે PPSLએ તમામ લાગુ નિયમનકારી નિયમોનું કડક પાલન કરવું આવશ્યક છે. PPSLએ ભારતમાં પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વ્યવસાય ચલાવવા માટે 31 ડિસેમ્બર, 2025ના રોજ અરજી કરી હતી. આ સિદ્ધાંતિક મંજૂરી સાથે કંપનીએ અંતિમ મંજૂરી તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.