સત્ય. સાહસ. સંકલ્પ.

Paytm નું નવું ફીચર: હવે તમારી પેમેન્ટ હિસ્ટ્રી રહેશે ખાનગી, બેંક બેલેન્સ પણ એક જ જગ્યાએ

Paytm નું નવું ફીચર: હવે તમારી પેમેન્ટ હિસ્ટ્રી રહેશે ખાનગી, બેંક બેલેન્સ પણ એક જ જગ્યાએ

મહિનાના અંતે યુપીઆઈ ખર્ચનો હિસાબ રાખવો હવે સરળ બન્યો છે. પેટીએમે તેના વપરાશકર્તાઓ માટે બે નવા ફીચર્સ રજૂ કર્યા છે. આ ફીચર્સની મદદથી તમે તમામ લિંક્ડ બેંક એકાઉન્ટનું કુલ બેલેન્સ એક જ સ્ક્રીન પર જોઈ શકશો. ઉપરાંત, પ્રાઇવસી જાળવવા માટે પસંદગીની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને હાઇડ પણ કરી શકશો.

મહિનાની શરૂઆતમાં પગાર આવતાં જ બેંક એકાઉન્ટ ભરેલું દેખાય છે, પણ મહિનાના અંત સુધીમાં પૈસા ક્યાં ખર્ચાયા તેનો હિસાબ લગાવવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય અને રોજિંદા યુપીઆઈથી નાના-મોટા પેમેન્ટ થતા હોય.

પેટીએમના આ નવા ફીચર્સ આ મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરશે. એક જ જગ્યાએ તમામ લિંક્ડ બેંક ખાતાનું કુલ બેલેન્સ જોઈ શકાશે. સાથે જ મહિના દરમિયાન ક્યાં અને કેટલા પૈસા ખર્ચાયા તેની માહિતી પણ મળશે. જે પેમેન્ટ બીજા સામે દર્શાવવું ન હોય તેને પ્રાઇવેટ રાખવાની સુવિધા પણ મળશે.

એક જ જગ્યાએ દેખાશે તમામ બેંક ખાતાના પૈસા

જો તમારી પાસે બે કે ત્રણ બેંક એકાઉન્ટ હોય, તો તેમાં જમા કુલ રકમનો અંદાજ લગાવવા માટે હવે અલગ-અલગ બેંકિંગ એપ ખોલવાની જરૂર નહીં પડે. પેટીએમના ‘બેલેન્સ એન્ડ હિસ્ટ્રી’ સેક્શનમાં ‘ટોટલ બેલેન્સ’ ફીચર આપવામાં આવ્યું છે. તે લિંક્ડ બેંક ખાતામાં રહેલી રકમને એક જ જગ્યાએ દર્શાવે છે.

આ માટે વપરાશકર્તાએ દરેક બેંક એકાઉન્ટને યુપીઆઈ પિન દ્વારા વેરિફાય કરવું પડશે. ત્યાર બાદ એપ તમામ ખાતાના બેલેન્સને ઉમેરીને સ્ક્રીન પર કુલ રકમ દર્શાવે છે. આનાથી તરત જ ખબર પડી જશે કે તમારા તમામ લિંક્ડ બેંક ખાતામાં કુલ કેટલા પૈસા છે.

પેમેન્ટ હાઇડ કેવી રીતે કરવું?

ઘણી વખત આપણે એવું પેમેન્ટ કરીએ છીએ જે બીજા સામે દર્શાવવું નથી હોતું. જેમ કે, કોઈ માટે ખરીદેલી ગિફ્ટ, મેડિકલ ખર્ચ કે કોઈ પર્સનલ મની ટ્રાન્સફર. આવા પેમેન્ટ માટે પેટીએમમાં ‘હાઇડ પેમેન્ટ્સ’ ફીચર આપવામાં આવ્યું છે. તેની મદદથી વપરાશકર્તા પોતાની પસંદગીની પેમેન્ટ એન્ટ્રીને મુખ્ય હિસ્ટ્રીમાંથી હટાવીને અલગ પ્રોટેક્ટેડ સેક્શનમાં રાખી શકે છે.

પેટીએમમાં પેમેન્ટ હાઇડ કરવા માટે:

  • સૌથી પહેલા મોબાઈલમાં પેટીએમ એપ ખોલો.
  • ‘બેલેન્સ એન્ડ હિસ્ટ્રી’ સેક્શનમાં જાઓ.
  • જે પેમેન્ટ છુપાવવું હોય તેને ડાબી બાજુ સ્વાઇપ કરો.
  • સ્ક્રીન પર દેખાતા ‘હાઇડ’ ઓપ્શન પર ટેપ કરો.
  • ‘યસ, હાઇડ પેમેન્ટ’ પર ક્લિક કરીને કન્ફર્મ કરો.

આ પછી તે પેમેન્ટ મુખ્ય ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાંથી છુપાઈ જશે. જો કે, આનાથી પેમેન્ટ ડિલીટ થતું નથી કે ટ્રાન્ઝેક્શનમાં કોઈ ફેરફાર થતો નથી. છુપાવેલા પેમેન્ટને પાછળથી ફોનના પિન અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા જોઈ શકાય છે.

આનાથી વપરાશકર્તાને પોતાની પેમેન્ટ હિસ્ટ્રીની પ્રાઇવસી પર વધુ કંટ્રોલ મળે છે. ઉપરાંત, વપરાશકર્તા પોતાના પેમેન્ટ સ્ટેટમેન્ટને PDF અથવા એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકે છે. આ સુવિધા ઘણા લોકો માટે મદદરૂપ સાબિત થશે.