સત્ય. સાહસ. સંકલ્પ.

પવન કલ્યાણ અને અન્ના કોનીડેલા 13 વર્ષ બાદ અલગ: નાયબ મુખ્યમંત્રીએ ત્રીજી વાર છૂટાછેડા લીધા

પવન કલ્યાણ અને અન્ના કોનીડેલા 13 વર્ષ બાદ અલગ: નાયબ મુખ્યમંત્રીએ ત્રીજી વાર છૂટાછેડા લીધા

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જાણીતા અભિનેતા પવન કલ્યાણે તેમની પત્ની અન્ના કોનીડેલા સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. બંનેએ 13 વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના નિવેદન મુજબ, આ નિર્ણય પરસ્પર સમજણ અને સન્માન સાથે લેવામાં આવ્યો છે. બંનેએ જણાવ્યું કે તેઓ સારા મિત્રો બની રહેશે અને પોતાના બાળકો માટે સમર્પિત માતા-પિતાની ભૂમિકા નિભાવશે.

પવન કલ્યાણે અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે અને ત્રણેય વખત તેમના છૂટાછેડા થયા છે. તેમના જીવનસાથી અને સંબંધોની વિગતો નીચે મુજબ છે:

1997: પ્રથમ લગ્ન, પત્ની નંદિની
ફિલ્મી ડેબ્યૂના એક વર્ષ બાદ પવન કલ્યાણના પરિવારે તેમના લગ્ન નંદિની સાથે કરાવી દીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં પવન કલ્યાણે કહ્યું હતું કે પરિવારના કહેવાથી તેમણે આ સંબંધ સ્વીકાર્યો હતો, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું નહીં. નંદિનીથી છૂટાછેડા લેતા પહેલાં પવન તેમની સહ-કલાકાર રેણુ દેસાઈ સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. 2004માં રેણુએ પુત્ર અકિરા નંદનને જન્મ આપ્યો. છૂટાછેડા લીધા વિના બીજી મહિલા સાથે રહેવાના કારણે નંદિનીએ પવન વિરુદ્ધ દ્વિવિવાહ (બિગેમી) કાયદા હેઠળ કોર્ટમાં કેસ કર્યો અને દર મહિને 5 લાખ રૂપિયા ભરણપોષણની માંગ કરી. નંદિનીએ IPCની કલમ 494 હેઠળ ચિરંજીવી, નાગેન્દ્ર બાબુ અને રેણુ દેસાઈ સહિત પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો. આ કેસ બાદ 2007માં પવને નંદિનીથી છૂટાછેડા લઈ લીધા અને 5 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવ્યું.

2009: બીજા લગ્ન, પત્ની રેણુ
નંદિનીથી છૂટાછેડા બાદ પવને 28 જાન્યુઆરી, 2009ના રોજ રેણુ સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ રેણુએ પુત્રી આધ્યાને જન્મ આપ્યો. જોકે, લગ્નના માત્ર 3 વર્ષ બાદ 2012માં રેણુએ તેમનાથી છૂટાછેડા લઈ લીધા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આર્થિક તંગી દરમિયાન પવને પોતાના ભાઈ નાગેન્દ્ર બાબુની મદદ કરી હતી, જે છૂટાછેડાનું કારણ બની. જોકે, બંનેએ આ વિશે ક્યારેય જાહેરમાં વાત કરી નથી. પવને છૂટાછેડા ન થાય તે માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. છૂટાછેડા સમયે પવન ફિલ્મ ‘તીન માર’નું શૂટિંગ કરી રહ્યા હતા, જે બોલિવૂડ ફિલ્મ ‘લવ આજ કલ’ની રીમેક છે.

2013: ત્રીજા લગ્ન, પત્ની અન્ના લેજનેવા
રેણુથી છૂટાછેડા બાદ પવનને રશિયન મોડલ અન્ના લેજનેવા સાથે પ્રેમ થઈ ગયો. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. રેણુથી છૂટાછેડાના એક વર્ષ બાદ જ પવને 30 સપ્ટેમ્બર 2013ના રોજ અન્ના સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી પવન પુત્રી પોલેના અંજના પવાનોવા અને પુત્ર માર્ક શંકર પવાનોવિચના પિતા બન્યા. ત્રણ લગ્ન કરવા અંગે પવને કહ્યું હતું કે તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નહોતો, તે તો સમય સાથે થતું ગયું. એક લગ્ન ટક્યા નહીં, તેથી બીજી વાર લગ્ન કરવા પડ્યા.

ત્રીજી વાર છૂટાછેડા અંગે નિવેદન
છૂટાછેડાના નિર્ણય બાદ પવન કલ્યાણ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગ્નજીવન સમાપ્ત થયું છે, પરંતુ તેઓ સારા મિત્રો બની રહેશે અને બાળકો માટે સમર્પિત માતા-પિતા તરીકેની ભૂમિકા ભજવતા રહેશે. બાળકોની ખુશી અને ભલાઈ હંમેશાં તેમની સહિયારી પ્રાથમિકતા રહેશે. બંનેએ શુભેચ્છકોને આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે.

રાજકીય સફર
અભિનેતા પવન કલ્યાણે 14 માર્ચ 2014ના રોજ જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી. 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ટીડીપી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું અને બાદમાં આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બન્યા. તેઓ અભિનેતા ચિરંજીવીના નાના ભાઈ છે.