તેલુગુ અભિનેતા અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ તથા તેમના પત્ની અન્ના લેઝનેવા વચ્ચે છૂટાછેડાની જાહેરાત બાદ તેમની પૂર્વ પત્ની અને અભિનેત્રી રેણુ દેસાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે કોઈનું નામ લીધા વિના લોકોને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ રહેવાની અપીલ કરી છે. રેણુએ લખ્યું કે પહેલેથી જ પરેશાન વ્યક્તિની વધુ ટીકા કરવી નૈતિક રીતે યોગ્ય નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વિચારો વ્યક્ત કરવા માટે તેમને કોઈએ પૈસા આપ્યા નથી.
રેણુએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'જો કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોય, તો તેની વધુ ટીકા કરવી નૈતિક રીતે યોગ્ય નથી. જે વ્યક્તિ પહેલેથી જ પરેશાન હોય, તેને વધુ નીચે ધકેલવું અમાનવીય છે. તેની સ્થિતિ ભલે ગમે તેવી હોય, આપણે એ ભૂલવું ન જોઈએ કે તે પણ કોઈનું સંતાન, માતા-પિતા અથવા ભાઈ-બહેન છે.'
રેણુએ આગળ લખ્યું, 'બીજાના ઘરો પર પથ્થર ફેંકતા પહેલાં એ યાદ રાખવું જોઈએ કે આપણે પોતે પણ કોઈ પરફેક્ટ જીવન જીવી રહ્યા નથી. આપણે બધા માણસ છીએ અને કોઈને માણસ કહેવડાવવા માટે તેના અંદર દયા અને સંવેદનશીલતા હોવી જરૂરી છે.'
પોતાની પોસ્ટના અંતે રેણુએ લખ્યું કે તેમની વાતોનો કોઈ ખોટો અર્થ ન કાઢવામાં આવે અને ન તો બિનજરૂરી અટકળો લગાવવામાં આવે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું, 'મને સમજદારી અને દયાળુતાની વાતો કરવા માટે કોઈએ પૈસા આપ્યા નથી. આ માત્ર મારી વિચારસરણી છે.'
ઉલ્લેખનીય છે કે પવન કલ્યાણ અને તેમની ત્રીજી પત્ની અન્ના લેઝનેવાએ 10 નવેમ્બરના રોજ એક નિવેદન જાહેર કરીને અલગ થવાની જાણકારી આપી હતી. બંનેએ જણાવ્યું હતું કે પરસ્પર સંમતિ અને સન્માન સાથે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લગ્નજીવન સમાપ્ત થયા છતાં તેઓ સારા મિત્રો બની રહેશે અને બાળકોના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવશે.
પવન કલ્યાણે ફિલ્મોમાં પ્રવેશ્યાના એક વર્ષ બાદ પરિવારની મરજીથી નંદિની સાથે ગોઠવાયેલા લગ્ન કર્યા હતા, જે માત્ર 2 વર્ષમાં જ તૂટી ગયા હતા. નંદિનીથી છૂટાછેડા લીધા બાદ પવન કલ્યાણની મુલાકાત ફિલ્મ 'બદ્રી'ના સેટ પર સહ-કલાકાર રેણુ દેસાઈ સાથે થઈ. બંને 2001થી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. 2004માં રેણુએ પુત્ર અકિરાને જન્મ આપ્યો હતો. તેના 5 વર્ષ બાદ 2009માં પવન કલ્યાણ અને રેણુએ સત્તાવાર રીતે લગ્ન કર્યા. આ લગ્ન 3 વર્ષ બાદ 2012માં તૂટી ગયા, ત્યારબાદ પવન કલ્યાણે સપ્ટેમ્બર 2013માં રશિયન મૂળની અન્ના લેઝનેવા સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા.
અન્નાએ ભારતીય પરંપરાનું ખૂબ જ સુંદર રીતે પાલન કર્યું. તે દરેક પ્રસંગે પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળતી હતી. આ લગ્નથી તેમને એક દીકરી અને એક દીકરો છે. થોડા સમય પહેલાં અન્નાએ બાલાજી મંદિરમાં મુંડન કરાવ્યું હતું. જોકે હવે બંનેએ લગ્નના 13 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા છે.