સત્ય. સાહસ. સંકલ્પ.

પવન કલ્યાણ અને પત્ની એન્ના કોનિડેલાએ 13 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો

પવન કલ્યાણ અને પત્ની એન્ના કોનિડેલાએ 13 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો

આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી અને જાણીતા અભિનેતા પવન કલ્યાણના અંગત જીવનમાં મોટો વળાંક આવ્યો છે. 55 વર્ષીય પવન કલ્યાણ અને તેમની રશિયન પત્ની એન્ના કોનિડેલાએ 13 વર્ષના લગ્નજીવન બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જનસેના પાર્ટીના મીડિયા ગ્રુપ દ્વારા સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લાંબો સમય સાથે વિતાવ્યા બાદ બંનેએ પરસ્પર સન્માન અને સમજણ સાથે લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હંમેશા સારા મિત્રો રહેશે અને પોતાના બંને બાળકોના માતા-પિતા તરીકેની જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે. બંનેએ મીડિયા અને ચાહકોને આ ભાવનાત્મક તબક્કામાં તેમની અંગત જિંદગીનું સન્માન કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે પવન કલ્યાણ અને એન્નાની મુલાકાત 2011માં ફિલ્મ 'તીન માર'ના શૂટિંગ દરમિયાન થઈ હતી, અને બે વર્ષ બાદ સપ્ટેમ્બર 2013માં બંનેએ લગ્ન કર્યા હતા. આ પવન કલ્યાણના ત્રીજા છૂટાછેડા છે. આ પહેલાં તેમણે 1997માં નંદિની સાથે લગ્ન કર્યા હતા, જે 2008માં તૂટ્યા હતા. ત્યારબાદ 2009માં તેમણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2012માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા હતા.

પવન કલ્યાણ 1996થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને હાલમાં તેમની ફિલ્મ 'ઉસ્તાદ ભગત સિંહ' રિલીઝ થઈ છે. તેઓ ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ 'OG 2'માં જોવા મળશે. ફિલ્મ અભિનય ઉપરાંત તેઓ આંધ્રપ્રદેશના રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.