સત્ય. સાહસ. સંકલ્પ.

પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન દર્શન અને રોપ-વેનો સમય બદલાયો, સવારે 4 વાગ્યાથી સેવા શરૂ

પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન દર્શન અને રોપ-વેનો સમય બદલાયો, સવારે 4 વાગ્યાથી સેવા શરૂ

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ દરમિયાન શ્રી કાલિકા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી પાવાગઢ ટ્રસ્ટ અને રોપ-વે સંચાલકોએ દર્શન તથા રોપ-વે સેવાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે.

નવરાત્રિના દિવસોમાં મંદિરના દરવાજા દરરોજ સવારે 5 થી 6 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. રાત્રે 8:30 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

રોપ-વે સેવા સામાન્ય દિવસોમાં સવારે 5 વાગ્યાથી શરૂ થાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન તે સવારે 4 વાગ્યાથી જ કાર્યરત થશે. એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમ જેવા મહત્ત્વના દિવસોમાં રોપ-વે સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ટ્રસ્ટ અને રોપ-વે સંચાલકોના જણાવ્યા અનુસાર, જો ભક્તોની ભીડ વધારે હશે તો સુવિધા માટે રોપ-વે સેવા મોડી રાત સુધી પણ ચાલુ રાખવામાં આવશે. ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પગલાં મજબૂત કરવામાં આવ્યા છે.