પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેમાં અકસ્માત થયો હતો. માચીથી ડુંગર તરફ સામાન લઈ જતી ટ્રોલીનું કંટ્રોલ ખોરવાતાં ટ્રોલી અને મશીન નીચે ધસી આવ્યા હતા અને રોપ-વેના ફાઉન્ડેશન સાથે અથડાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, પાવાગઢમાં ઉષા બ્રેકો કંપની સંચાલિત માલવાહક રોપ-વે પરથી ડુંગર સુધી સામાન પહોંચાડવામાં આવે છે. આ રોપ-વેની ટ્રોલીનું કંટ્રોલ ફેલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક અધિકારીઓ, હાલોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માત માલવાહક રોપ-વેમાં થયો છે. પેસેન્જર રોપ-વેની સેવા રાબેતા મુજબ ચાલુ છે, જેનાથી યાત્રાળુઓને કોઈ અસર થઈ નથી.
આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી કાલિકા માતાજીના દર્શનાર્થે પાવાગઢ આવી રહ્યા છે. યાત્રાળુઓની સુગમતા માટે રોપ-વે સેવાના સમયમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સવારે 5:00 વાગ્યાથી શરૂ થતી રોપ-વે સેવા નવરાત્રિ દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યાથી જ કાર્યરત છે. ખાસ કરીને નવરાત્રિના મહત્ત્વના દિવસો જેવા કે એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે રોપ-વે સેવા સવારે 4:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રિના 9:00 વાગ્યા સુધી સતત ચાલુ રહે છે.