સત્ય. સાહસ. સંકલ્પ.

પાવાગઢમાં નવરાત્રિ પહેલાં ભક્તોનું ઘોડાપૂર, રોપ-વે અને પગથિયાં પર લાંબી કતારો

પાવાગઢમાં નવરાત્રિ પહેલાં ભક્તોનું ઘોડાપૂર, રોપ-વે અને પગથિયાં પર લાંબી કતારો

આસો નવરાત્રિ 11 ઑક્ટોબર, રવિવારથી શરૂ થઈ રહી છે. તેના એક દિવસ પહેલાં જ પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે માઈભક્તોની ભારે ભીડ ઉમટી છે. શનિવાર અને રવિવારની સળંગ રજા હોવાથી તથા નવરાત્રિ પહેલાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.

તળેટીમાં આવેલા ઐતિહાસિક ચાંપાનેરથી લઈને માંચી અને ત્યાંથી ઉપર મા મહાકાળીના નિજ મંદિર સુધી દર્શનાર્થીઓ જ નજરે પડી રહ્યા છે. સમગ્ર ડુંગર પર ભક્તોનું મહેરામણ ઉમટ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. 'જય અંબે' અને 'જય મહાકાળી'ના જયઘોષથી આખું પાવાગઢ પરિસર ભક્તિમય વાતાવરણમાં ગૂંજી ઉઠ્યું છે.

ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઈભક્તો આવ્યા છે. ચાંપાનેરથી માંચી સુધીના રસ્તાઓ પર વાહનો અને ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રોપ-વે સેવા અને પગથિયાવાળા માર્ગ પર પણ દર્શનાર્થીઓની ભારે ભીડ છે, જ્યાં લાંબી કતારો લાગી છે.

આવતીકાલે આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભીડ વધુ વધવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.