સત્ય. સાહસ. સંકલ્પ.

પેટ્રિક સ્ટુઅર્ટનું 86 વર્ષની વયે અવસાન: પ્રોફેસર X અને કૅપ્ટન પિકાર્ડના પાત્રોથી વૈશ્વિક ખ્યાતિ, ગિનીસ રેકોર્ડમાં નામ

પેટ્રિક સ્ટુઅર્ટનું 86 વર્ષની વયે અવસાન: પ્રોફેસર X અને કૅપ્ટન પિકાર્ડના પાત્રોથી વૈશ્વિક ખ્યાતિ, ગિનીસ રેકોર્ડમાં નામ

હોલીવુડના જાણીતા અભિનેતા સર પેટ્રિક સ્ટુઅર્ટનું બુધવારે લોસ એન્જેલસમાં 86 વર્ષની વયે અવસાન થયું. તેમણે 'એક્સ-મેન' અને 'સ્ટાર ટ્રેક' શ્રેણીઓમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

એક્ટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરાયેલા નિવેદન મુજબ, તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા. તેઓ અલ્ઝાઇમર રોગ અને લેવી બોડી ડિમેન્શિયાથી પીડિત હતા. તે સમયે તેમની પત્ની સની તેમની સાથે હાજર હતી.

તેમના અવસાનના સમાચાર બાદ હ્યુ જેકમેન, વિલિયમ શેટનર, માર્વેલ સ્ટુડિયોઝ અને અનેક સહ-કલાકારોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પેટ્રિક સ્ટુઅર્ટે 60 વર્ષથી વધુ સમય થિયેટર, ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કર્યું. 1966માં રોયલ શેક્સપિયર કંપની સાથે જોડાઈને તેમણે થિયેટરમાં પોતાની ઓળખ બનાવી.

વિજ્ઞાન-કલ્પના શ્રેણી 'સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન'માં કૅપ્ટન જીન-લ્યૂક પિકાર્ડની ભૂમિકા ભજવીને તેમને દુનિયાભરમાં ખ્યાતિ મળી. પિકાર્ડનું પાત્ર પહેલીવાર 1987માં ટેલિવિઝન શોમાં રજૂ થયું હતું.

આ ઉપરાંત, તેમણે 'એક્સ-મેન' ફિલ્મોમાં પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયર એટલે કે પ્રોફેસર Xનું પાત્ર ભજવ્યું. તેઓ 'ડ્યુન', 'એક્સકેલિબર' અને 'ગ્રીન રૂમ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

પેટ્રિક સ્ટુઅર્ટે ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન 1966માં શીલા ફાલ્કનર સાથે થયા, જેમાંથી તેમને દીકરો ડેનિયલ અને દીકરી સોફી એલેક્ઝાન્ડ્રા છે. 1990માં બંનેના છૂટાછેડા થયા. ત્યારબાદ 2000માં ટીવી પ્રોડ્યુસર વેન્ડી ન્યુસ સાથે લગ્ન કર્યા, પરંતુ 2003માં અલગ થઈ ગયા. સપ્ટેમ્બર 2013માં તેમણે અમેરિકન ગાયિકા અને ગીતકાર સની ઓઝેલ સાથે ત્રીજા લગ્ન કર્યા. તેમને ચાર પૌત્ર-પૌત્રીઓ છે.

પેટ્રિક સ્ટુઅર્ટને તેમના અભિનય માટે અનેક સન્માન મળ્યાં. બ્રિટનનું પ્રતિષ્ઠિત નાઇટહૂડ સન્માન પણ તેમાં સામેલ છે, જે ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 2010માં બકિંગહામ પેલેસમાં આપ્યું હતું. થિયેટરમાં તેમના યોગદાન બદલ તેમને બે લૉરેન્સ ઓલિવિયર અવૉર્ડ મળ્યા. તેમણે બેસ્ટ સ્પોકન વર્ડ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી અવૉર્ડ પણ જીત્યો. આ ઉપરાંત, તેઓ ચાર એમી, ત્રણ ગોલ્ડન ગ્લોબ અને એક ટોની અવૉર્ડ માટે નામાંકિત થયા હતા.

પેટ્રિક સ્ટુઅર્ટના નામે લાઇવ-એક્શન માર્વેલ પાત્ર ભજવવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે 2000ની ફિલ્મ 'એક્સ-મેન'માં પ્રથમ વખત પ્રોફેસર Xની ભૂમિકા ભજવી અને 2022ની ફિલ્મ 'ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ'માં પણ તે જ ભૂમિકા કરી. આમ તેમણે 21 વર્ષ અને 296 દિવસ સુધી એક જ માર્વેલ પાત્ર ભજવ્યું, જેના માટે તેમનું નામ ગિનીસમાં નોંધાયું.

પેટ્રિક સ્ટુઅર્ટની છેલ્લી ફિલ્મ 'એવેન્જર્સ: ડૂમ્સડે' હશે. માર્વેલ સ્ટુડિયોઝે ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, “અમે સર પેટ્રિક સ્ટુઅર્ટના નિધનથી અત્યંત દુઃખી છીએ. તેમણે પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરને ગૌરવ, સમજદારી અને માનવતા સાથે જીવંત કર્યા. 'એક્સ-મેન'થી લઈને 'લોગાન' અને 'એવેન્જર્સ: ડૂમ્સડે' સુધી, તેમણે આ પાત્રને યાદગાર બનાવ્યું.”

હ્યુ જેકમેને શ્રદ્ધાંજલિમાં કહ્યું, “આજે અમે સ્ટેજ અને સ્ક્રીનના મહાન કલાકારોમાંના એકને ગુમાવ્યા. મારી નજરે તેઓ શાનદાર મિત્ર અને માનવી પણ હતા. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું. પેટ્રિક સ્ટુઅર્ટ, હું તમને જીવનભર યાદ કરીશ.” વિલિયમ શેટનરે કહ્યું, “મારું દિલ તૂટી ગયું છે.”