સત્ય. સાહસ. સંકલ્પ.

પટના હાઈકોર્ટનો ચુકાદો વાંધાજનક: સુપ્રીમ કોર્ટ નારાજ, ચુકાદો રદ થઈ શકે

પટના હાઈકોર્ટનો ચુકાદો વાંધાજનક: સુપ્રીમ કોર્ટ નારાજ, ચુકાદો રદ થઈ શકે

પટના હાઈકોર્ટે 9 જુલાઈ 2026ના રોજ એક ચુકાદામાં કહ્યું કે મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ અને છાતી દબાવવાની ઘટનાને બળાત્કારનો પ્રયાસ નહીં ગણી શકાય. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ—જેમાં જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહન પણ સામેલ છે—એ આ આદેશ પર સ્વતઃ સંજ્ઞાન લઈને સુનાવણી હાથ ધરી હતી. CJIએ કહ્યું કે પટના હાઈકોર્ટના નિર્ણયમાં કેટલીક ટિપ્પણીઓ વાંધાજનક છે. તેમણે ઉમેર્યું કે આરોપીનો પક્ષ સાંભળ્યા બાદ આ નિર્ણય રદ પણ કરી શકાય છે.

CJI સૂર્યકાંતે બિહારના એડવોકેટ જનરલ એસ.ડી. સંજયને જણાવ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને નોટિસ મોકલવામાં આવે.

અલાહાબાદ હાઈકોર્ટનો સમાન નિર્ણય પહેલાં રદ થયો હતો

જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટને પટના હાઈકોર્ટના આ આદેશની જાણકારી આપવામાં આવી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઈકોર્ટના સમાન પ્રકારના એક આદેશ પર સુનાવણી કરી રહી હતી. અલાહાબાદ હાઈકોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે સગીરની છાતી દબાવવી અને પાયજામાનો નાડું તોડવું એ બળાત્કારનો પ્રયાસ નથી. સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ કરી દીધો હતો.

14 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પટના હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો હોવા છતાં પટના હાઈકોર્ટે સમાન પ્રકારની ટિપ્પણીઓ કરીને આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી

અલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યા બાદ CJI સૂર્યકાંતે નેશનલ જ્યુડિશિયલ એકેડેમી (NJA)ની નિષ્ણાત સમિતનો અહેવાલ પણ મંજૂર કર્યો હતો. આ અહેવાલમાં યૌન અપરાધો સાથે જોડાયેલા કેસોની સુનાવણી દરમિયાન સંવેદનશીલતા જાળવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દેશની તમામ અદાલતોને આ માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

પટના હાઈકોર્ટનો ચુકાદો

પટના હાઈકોર્ટે 9 જુલાઈના તેના ચુકાદામાં કહ્યું હતું કે મહિલાની સલવાર ઉતારવાનો પ્રયાસ અને તેની છાતી દબાવવાની ઘટનાને બળાત્કારનો પ્રયાસ માની શકાય નહીં. ખાસ કરીને ત્યારે, જ્યારે શારીરિક સંબંધ બાંધવાનો કોઈ પુરાવો ન હોય અને બળાત્કારના ઈરાદાનું કોઈ કૃત્ય સામે ન આવ્યું હોય. હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલાની ગરિમા ભંગ કરવાનો ગુનો બને છે, પરંતુ બળાત્કારના પ્રયાસનો ગુનો સાબિત થતો નથી. ચુકાદા બાદ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. બળાત્કારના પ્રયાસનો આ કેસ 2008માં બિહારના બાંકામાં નોંધાયો હતો.

બિહારના બાંકાનો કેસ

20 જાન્યુઆરી 2008ના રોજ બિહારના બાંકામાં એક સ્ટુડિયોના માલિક વિરુદ્ધ બળાત્કારના પ્રયાસની એફઆઈઆર નોંધાઈ હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તે પિતા સાથે ફોટો પડાવવા ગઈ હતી ત્યારે સ્ટુડિયો માલિક હિમાંશુએ સ્ટુડિયોનો દરવાજો બંધ કરી દીધો, તેની સલવાર ઉતારવાનો પ્રયાસ કર્યો અને બળાત્કારના ઈરાદે તેની છાતી દબાવવા લાગ્યો.

2013માં બાંકા કોર્ટે હિમાંશુને બળાત્કારના પ્રયાસનો દોષિત ઠેરવીને ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. હિમાંશુએ નીચલી અદાલતના આ નિર્ણયને પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હિમાંશુના વકીલે દલીલ કરી હતી કે નીચલી અદાલતનો નિર્ણય ગેરકાયદેસર છે, કારણ કે પીડિત પક્ષે એફઆઈઆર નોંધાવવામાં વિલંબ કર્યો હતો અને તેનું યોગ્ય કારણ પણ જણાવ્યું ન હતું.

13 વર્ષ બાદ 9 જુલાઈ 2026ના રોજ પટના હાઈકોર્ટના જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે કહ્યું કે આ કેસમાં તબીબી પુરાવા નથી અને બળાત્કાર કરવાનો પ્રયાસ થયો હોવાના સ્પષ્ટ શારીરિક પ્રયાસના પુરાવા પણ નથી. તેથી આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

પટના હાઈકોર્ટના નિર્ણયના આધાર

કોર્ટે કહ્યું કે આરોપીએ બળનો ઉપયોગ કર્યો, દરવાજો બંધ કર્યો, સલવાર ઉતારવાનો પ્રયાસ કર્યો અને છાતી દબાવીને શારીરિક ઉત્પીડન કર્યું. જોકે, આ ઘટના બળાત્કારના પ્રયાસને બદલે સ્ત્રીની મર્યાદાને ઠેસ પહોંચાડનારી છે. પેનિટ્રેશનનો કોઈ પુરાવો નથી અને બળાત્કાર કરવાના પ્રયાસની કોઈ તબીબી પુષ્ટિ પણ નથી.

કોર્ટે ઉમેર્યું કે આ કેસમાં ઘણી ખામીઓ છે. પાંચ સાક્ષીઓમાં માત્ર એક જ સ્વતંત્ર સાક્ષી હતો, જેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. તપાસ પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરનાર તપાસ અધિકારીની કેસની સુનાવણી દરમિયાન પૂછપરછ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત તબીબી અધિકારીની સાક્ષી લેવામાં આવી ન હતી.