સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણાના નુગર પાસેના ચોર્યાસી સમાજ વિદ્યાસંકુલ ખાતે એસ.પી.જી. દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણી, ગોપાલ ઈટાલિયા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ કોઈનું નામ લીધા વિના રાજકીય પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'સરદાર આપણા સૌના સ્વાભિમાનનું પ્રતીક છે. સરદારના નામ પર કોઈને ડસ્ટર ફેરવીને ભૂંસવાનું કામ કરવા ન દેવું જોઈએ. દિલ્હીની ડેલીએ બાપનું નામ નહીં હોય તો આપણે ઠેકાણે પડી જઈશું.'
પાટીદાર આંદોલનનાં સંસ્મરણો વાગોળતા ધાનાણીએ મંચ પર હાજર નીતિન પટેલ તરફ માર્મિક ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, 'અહીં બેઠેલા બધાએ અમને ટોપી પહેરાવીને અને તમને ટોપી ફેરવાવીને જાજી ભાતનું કર્યું. જુઓને નીતિન કાકા પણ કરમાઈ ગયા છે અને અમે બધા હવે નવરા થઈ ગયા છીએ. આ રાજકીય મંચ નથી, હું સમાજનો દીકરો છું અને મારા સમાજના મોભી બાપ છે. સરદાર સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી. આ નીતિન કાકા પણ એવા જ છે, ડોળા બહુ કાઢે પણ આડું-અવળું નહીં ચાલે. સરદાર એટલે શિસ્ત, સરદાર એટલે શ્રમ.'
ધાનાણીએ વધુમાં કહ્યું કે, 'સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે. એમાં હું પેદા થયો, હવે નવરો થયો. અમારી જવાબદારી બાપ બીતા નહીં, હું શીખી ગયો છું, કાનમાં પૂછજો. પણ સમૃદ્ધ વારસો જેને આપે એને સરદાર કહેવાય. આ કાકા છે ને અમારા વિધાનસભા ગૃહની અંદર મને જાહેરમાં કહેતા જરીક પણ ક્ષોભ નહીં થાય, એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ, એ તો ગુરુ છે ગુરુ.'
ઉમા-ખોડલના વારસદારોને વડવાઓના પરિશ્રમની ચિંતા કરવા હાકલ કરતાં ધાનાણીએ કહ્યું કે, 'સરદાર કોઈના મોઢામાં સમાતા નહીં અને આજે સરદારના વારસો, જય સરદારના નારા લગાડીએ અને ક્યાંક સાચું બોલવાનું આવે તો મોઢું છુપાવીએ. નીતિન કાકા, માફ કરજો. ઉમા-ખોડલના વારસો છીએ. ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ખોડલ કૃપા, ક્યાંક ઉમા કૃપા. આપણા માતા-પિતાના નામ ઘરના દરવાજે લખવા પાછળ બાપ મકાન બનાવવામાં વડવાઓને કેટલો પરિશ્રમ વેઠવો પડ્યો હશે, એ વિચારજો. એની ચિંતા કરજો.'
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના માટે ઓછી તાળીઓ પડી હોવાની બાબતને લઈને ટકોર કરતા કહ્યું હતું કે, 'આજે આપણા ત્યાં મહેમાન તરીકે આવેલા આપણા મિત્ર, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વર્ષો સુધી જાગૃત રહીને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપ્યું છે. એવા પરેશભાઈ ધાનાણી, ભાઈ ગોપાલભાઈ નવા-નવા ચૂંટાયા...'