સત્ય. સાહસ. સંકલ્પ.

બાંભણિયાની કબૂલાતથી પાટીદારોમાં સળવળાટ, વડોદરામાં પ્લોટ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

બાંભણિયાની કબૂલાતથી પાટીદારોમાં સળવળાટ, વડોદરામાં પ્લોટ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

પાટીદાર આંદોલનના આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી કબૂલાત કરી છે કે આંદોલનના કારણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું. તેમણે આ અંગે વસવસો વ્યક્ત કર્યો અને યુપી જઈ માફી માંગવાની તૈયારી દર્શાવી. આ નિવેદનથી પાટીદાર સમાજમાં નવો સળવળાટ જોવા મળી રહ્યો છે.

બાંભણિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાએ ટેકો આપ્યો છે, જ્યારે ગીતા પટેલે કહ્યું કે આંદોલનકારીઓ દોષિત નથી. આ નિવેદનોથી પાટીદાર નેતાઓ વચ્ચે મતભેદ દેખાઈ રહ્યો છે.

બીજી તરફ, વડોદરામાં યુસુફ પઠાણને વિવાદિત પ્લોટ ભેટમાં આપવાની તૈયારી પર કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ વિરુદ્ધ બોલનારને નોટિસ મળે છે અને હવે ગિફ્ટ મળે છે. તેમણે કહ્યું કે ભાજપના વોશિંગ મશીનમાં દાખલ થતાં જ બધા પાપ ધોવાઈ જાય છે.

આ ઉપરાંત, કોંગ્રેસે મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા જનઆંદોલનની જાહેરાત કરી છે. ચૂંટણી પહેલાં ગૃહિણીઓ અને યુવાનોને સાથે રાખીને રોડ પર ઉતરવાની યોજના છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકારે 100 દિવસનું વચન આપ્યું હતું, પણ 12 વર્ષે પણ મોંઘવારી ઘટી નથી.

પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક પર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે યુવાનોને સડેલી સિસ્ટમે આપેલા દુખમાં સૌથી મોટું દુખ પેપર લીક છે. યુવાનો ઈચ્છે છે કે સિસ્ટમને પૂછવામાં આવે. આ સમસ્યા 10 વર્ષથી ચાલે છે અને હજુ 20 વર્ષ ભોગવવી પડશે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીઓએ પોતાનું નિવેદન બદલ્યું છે. તથ્યની ગાડીમાં બેસેલા તેમના મિત્રોએ કહ્યું કે ગાડી સ્પીડમાં નહોતી. અગાઉ તેમણે કહ્યું હતું કે ગાડી સ્પીડમાં હતી અને તેમણે ડ્રાઈવરને સ્પીડ ઘટાડવા ટોક્યો હતો.

વેજીટેબલ માર્કેટમાં ખાણીપીણીના વેપારીઓને પણ જગ્યા ફાળવવામાં આવશે. નિયત ભાડું ચૂકવવું પડશે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે.

અમદાવાદમાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે પોલીસની પ્લેટવાળી XUV અને બે બાઈકને ટક્કર મારી. લથડિયા ખાતા આરોપીને પ્રાઈવેટ કારમાં લઈ જતાં પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ.

પાટણના શ્રેય મોલ પાસે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાના આરોપી દલપતસિંહ પર ફાયરિંગ થયું. બાઈક પર આવેલા બે શખ્સોએ 6 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા.

અમદાવાદમાં વ્યાજખોરીની ફરિયાદ પરત ન લેતા યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કરી તેને જાહેરમાં માર માર્યો. ઓફિસમાં તોડફોડ કરી 1 લાખથી વધુની લૂંટ કરી.

સ્વચ્છતામાં સુરત નંબર 2 પર ધકેલાવા મામલે ખુલાસો થયો છે. ₹11,000 કરોડના બજેટ વચ્ચે 457 કચરા ગાડીની અછતનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, સામે માત્ર પેનલ્ટીનો સંતોષ માન્યો છે.