સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ એક સમયે કડવા પાટીદાર સમાજનું એકમાત્ર રજવાડું હતું. આઝાદી વખતે ભારતમાં 562 દેશી રજવાડાં હતાં, જેમાં ગુજરાતમાં 366 અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડાં હતાં. તે સમયે પાટડી કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્ય હતું.
પાટડીના ઇન્દુચાચા જણાવે છે કે, પાટડીના પટેલો પોતાને નાથા રણમલના વંશજ માને છે. એક અત્યંત જર્જરિત ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ નાથા રણમલની 16મી પેઢી આજે હયાત છે. નાથા રણમલને વેણા, શાણા, ભાણા, પરખા, રાણા અને હરખા — એમ કુલ છ પુત્રો હતા. તેમાંથી રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો.
પાટડીના ઇતિહાસ પર પી.એચ.ડી. કરનારા પ્રોફેસર ડો. હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખા-જોખા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પાટડી સમગ્ર દેશમાં પાટીદાર સમાજનું એકમાત્ર રાજ્ય હતું. પાટડીની ઐતિહાસિક ધરોહર સમો જાજરમાન કિલ્લો અને હવા મહેલ આજેય પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે.
‘પાટડી’ નામ પડવા અંગે અલગ અલગ માન્યતાઓ છે. એક માન્યતા મુજબ, ઝાલા રાજવીઓનું પાટનગર બન્યા પછી ‘પાટ’ પરથી પાટડી નામ પડ્યું હોઈ શકે. રબારી ચોપડા મુજબ, બકરીના નામ પરથી ‘પાદડી’નું રૂપાંતર થઈ પાટડી નામ પડ્યું હોવાનું કહેવાય છે. બીજી માન્યતા મુજબ, ઇમારતનો મોટો ભાર પાટડી એટલે કે લાકડાના પાટડા પર રહેતો હોવાથી તેનું નામ પાટડી પડ્યું હોઈ શકે. હાલમાં પાટડીમાં મુખ્યત્વે દેસાઈ અને પટેલ સમાજની વસ્તી છે.
પાટડી રાજવી પરિવારના છેલ્લા સ્ટેટ (દરબાર) કર્ણીસિંહજી દેસાઈ જણાવે છે કે, પાટડીમાં દેસાઈ રાજવી પરિવારનો 300 વર્ષનો ઇતિહાસ છે અને શિક્ષણ ક્ષેત્રે રાજવી પરિવારનો અચૂક ફાળો રહ્યો છે. જોરૂબાપા વખતે સ્કૂલ બનાવવામાં આવી હતી. એ જ રીતે હિમ્મતસિંહજી વખતે પણ સ્કૂલ બની હતી. સુરજમલજીએ તો આખા જિલ્લામાં પાટડીમાં સને 1906માં ઈંગ્લિશ સ્કૂલ બનાવી હતી. એ પછી તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં ફાઉન્ડિંગ મેમ્બર બન્યા. ફાઉન્ડિંગ મેમ્બર બનનારું એ એકમાત્ર પાટીદાર રાજ્ય હતું; બાકીના બધા રાજાઓ રજપૂતો અને નવાબો ફાઉન્ડિંગ મેમ્બરો હતા.
કર્ણીસિંહજી દેસાઈ વધુમાં જણાવે છે કે, “હું પાટડીમાં જ જન્મ્યો અને પાટડીમાં ભણ્યો. હું જન્મ્યો ત્યારે 21 તોપોની સલામી આપવામાં આવી હતી અને પાટડી સ્ટેટના ચોવીસેય ગામોમાં રજા રાખવામાં આવી હતી. ચોવીસેય ગામોમાં સાકર વહેંચવામાં આવી હતી.” મોટા થયા પછી તેઓ શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં દાખલ થયા અને સાતમા ધોરણ સુધી ત્યાં ભણ્યા પછી શ્રી સૂરજમલજી શાળામાં દાખલ થયા. 1958માં મેટ્રિક થયા સુધી પાટડીમાં રહ્યા બાદ 1960માં અમદાવાદ આવ્યા હતા.
તાજેતરમાં પાટડી કડવા પાટીદાર રજવાડા વિશે “સોનાની હાટડી” નામના પુસ્તકમાં રાજાઓ અને વડવાઓની યાદી સાથે ઇતિહાસ આપવામાં આવ્યો છે. દરેક રાજાએ શું કામ કર્યું, એનો ઇતિહાસ ફોટાઓ સાથે આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. કર્ણીસિંહજી પોતાને આ વંશવેલામાં 14મા રાજવી ગણાવે છે.
પાટડીની એ વખતની જાહોજલાલી વિશે તેઓ ગર્વભેર જણાવે છે કે, પાટડીમાં સુરજમલસિંહજીએ ત્રણ જિન અને એક પ્રેસ બનાવ્યા હતા. પાટડીમાં પાવરહાઉસ પણ હતું. આખા સૌરાષ્ટ્રમાં કોઈ રજવાડા પાસે આવું પાવરહાઉસ નહોતું. પાટડીમાં એ સમયે સ્ટ્રીટ લાઇટ હતી અને એ પાવરહાઉસમાંથી દરેક ભાયાતોના ઘેર તેમજ રાજમહેલમાં લાઇટ આપવામાં આવતી હતી.
છેલ્લે તેઓ જણાવે છે કે, પાટડીમાં રઘુવીરસિંહજી જ્યારે માઇનોર હતા ત્યારે પોલિટિકલ એજન્ટ તરફથી બેન્જામિન સાહેબને એડમિનિસ્ટ્રેટિવ અધિકારી તરીકે મુકવામાં આવ્યા હતા. એમણે પાટડી સ્ટેટને વિકસાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. એમાં અમદાવાદની વી.એસ. હોસ્પિટલ પાછળ એલિસબ્રિજમાં બોર્ડિંગ સ્કૂલ બનાવવામાં આવી હતી, જેમાં માત્ર કડવા પાટીદારના વિદ્યાર્થીઓને જ રાખવામાં આવતા હતા. હાલ પણ આ બોર્ડિંગ સ્કૂલમાં કડવા પાટીદારના 160 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય બેન્જામિન સાહેબે અમદાવાદમાં અનેક મિલકતો વસાવી હતી અને કોપતા વીડમાં 1329 એકરની જમીન ખરીદી હતી.