સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની દુકાનો સામે તંત્રએ શુક્રવારે મોટી કાર્યવાહી કરી હતી. વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બુલડોઝર દ્વારા આ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કર્યા હતા. મામલતદારની હાજરીમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
તંત્રના જણાવ્યા મુજબ, આ દુકાનો કાયદેસર મંજૂરી વિના ચાલતી હતી. અગાઉ આ ગેરકાયદે દુકાનોને તોડવા માટે નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ પણ કાર્યવાહી ન થતાં આખરે બુલડોઝર દ્વારા દુકાનો તોડી પાડવામાં આવી.
આ મામલે ગૌહત્યા સંબંધિત ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોની માહિતી મુજબ, આ મામલે એક મહિલા સહિત કુલ સાત લોકોની અટકાયત કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ હોવાનું અને હજુ વધુ વિગતો બહાર આવી શકે છે તેમ પોલીસે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી પહેલા વિસ્તારમાં હિન્દુ સમાજ દ્વારા વિરોધ રેલી પણ કાઢવામાં આવી હતી. તેમણે ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની દુકાનો સામે કાર્યવાહીની માંગ કરી હતી. વિરોધ બાદ તંત્રએ ઝડપી પગલાં લેતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે.
આ સમગ્ર ઘટનાક્રમ પર પોલીસ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.