સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં 68 વર્ષીય મહિલાની હત્યા: બેડ નીચે મળી લાશ, ગળા પર નિશાન

પાટણમાં 68 વર્ષીય મહિલાની હત્યા: બેડ નીચે મળી લાશ, ગળા પર નિશાન

પાટણના સંખારી રોડ પર આવેલી પ્રતિષ્ઠિત વૃંદાવન સોસાયટીમાં 7 જૂન, 2025ની સવારે 68 વર્ષીય ગોદાવરીબેન પરમારની હત્યા થયાની ઘટના સામે આવી છે. તેમની લાશ બેડરૂમમાં બેડની નીચે જમીન પર પડેલી હાલતમાં મળી આવી હતી. ગળા પર કાપા જેવા નિશાન હતા અને નાકમાંથી સૂકાયેલું લોહી નીકળ્યું હતું.

ઘટનાની જાણ સવારે લગભગ 9:30 વાગ્યે થઈ, જ્યારે ઘરકામ માટે રોજ આવતા નીતાબેન બંગલામાં પહોંચ્યા. તે દિવસે તે અડધો કલાક મોડા આવ્યા હતા. તેમણે જોયું કે મુખ્ય દરવાજાની લોખંડની જાળીને આંકડિયો મારેલો નહોતો, અને અંદરનો લાકડાનો દરવાજો પણ ખુલ્લો હતો. ડ્રોઇંગ રૂમમાં ગોદાવરીબેન ન હતા. બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો, અને અંદર જતાં જ તેમણે ગોદાવરીબેનને બેડ નીચે પડેલા જોયા. ગભરાઈને તેઓ બહાર દોડ્યા અને પડોશીઓને બોલાવ્યા.

સોસાયટીના રહીશો ભેગા થયા અને ગોદાવરીબેનને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઉઠ્યા નહીં. ધ્યાનથી જોતાં તેમના ગળા પર કાપાના નિશાન દેખાયા. તરત જ તેમના સગાંને જાણ કરવામાં આવી અને 108 એમ્બ્યુલન્સને ફોન કરાયો. ગોદાવરીબેનને પાટણ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મોત થયાનું જણાવાયું, જેનાથી હત્યાની પુષ્ટિ થઈ.

ગોદાવરીબેન તેમના બંગલામાં એકલા રહેતા હતા. તેમના પતિ ગોવિંદભાઇ પરમારનું અવસાન થયું હતું. હત્યાના બે મહિના પહેલાં જ તેઓ મોટીસરા ખાતેના પિતાના ઘરેથી વૃંદાવન સોસાયટીના બંગલામાં રહેવા આવ્યા હતા. ઉંમરના કારણે ઘરકામ માટે નીતાબેન રોજ સવારે 9 વાગ્યે આવતા અને સફાઈ તથા વાસણ ધોવાનું કામ કરતા. ગોદાવરીબેન રોજ નીતાબેન પાસે દૂધની થેલી મંગાવતા, પરંતુ ઘટનાના એક દિવસ પહેલાં તેમણે નીતાબેનને કહ્યું હતું કે આવતીકાલે દૂધની થેલી લઈને આવવાની જરૂર નથી. આ વિગતને લીધે પોલીસ તપાસમાં ઘણા સવાલો ઉઠ્યા છે.

પોલીસે હત્યાની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. સોસાયટીમાં સન્નાટો છે અને રહીશોમાં ભયનો માહોલ છે. પોલીસ ઘટનાના તમામ પાસાંઓની તપાસ કરી રહી છે.